News of Sunday, 4th October 2026
રશિયાનો યુક્રેન પર મોટા હુમલાનો સંકેત; વિદેશી નાગરિકો અને રાજદૂતોને તાત્કાલિક કિવ છોડી દેવા માટે કડક ચેતવણી
બદલાની કાર્યવાહી રૂપે લશ્કરી સ્થાપનો પર હુમલા વધુ તીવ્ર બનાવવાની જાહેરાત, ચેતવણી અવગણનાર પરિણામો માટે ખુદ જવાબદાર રહેશે

માસ્કો : રશિયાએ શનિવારે જાહેરાત કરી છે કે તે કિવ અને અન્ય યુક્રેનિયન શહેરો પર બદલો લેવાના હુમલાઓ ચાલુ રાખશે, અને સાથે જ રાજદ્વારી મિશન સ્ટાફ સહિત તમામ વિદેશી નાગરિકોને રાજધાની કિવ છોડી દેવા અથવા યુક્રેનમાં મુસાફરી ન કરવા માટે ગંભીર અપીલ કરી છે. રશિયન વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આ આદેશને અવગણવાથી થનાર કોઈપણ નુકસાન માટે લોકો પોતે જ સંપૂર્ણપણે જવાબદાર રહેશે.
રશિયન વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, રશિયન નાગરિકો અને નાગરિક માળખા પર યુક્રેનિયન સૈન્ય દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાઓના જવાબમાં રશિયન સૈન્ય કિવ અને અન્ય યુક્રેનિયન શહેરોમાં લશ્કરી સ્થાપનોને સતત નિશાન બનાવી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ આક્રમક રણનીતિના ભાગરૂપે તાજેતરના દિવસોમાં રશિયાએ યુક્રેનની રાજધાનીમાં હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે.
શનિવારે થયેલા ભીષણ હવાઈ હુમલામાં ડિનિપ્રો નદી પરના પુલને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો, જેના કારણે શિયાળા પહેલા રાજધાનીમાં રહેતા આશરે ૩૦ લાખ લોકોના જનજીવન પર ગંભીર અસર પડી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે યુક્રેન રશિયા પરના તેના હુમલાઓની કિંમત ચૂકવી રહ્યું છે અને મોસ્કોનું સૈન્ય આ કાર્યવાહી ચાલુ રાખશે, જ્યારે તાજેતરના મહિનાઓમાં કાળા સમુદ્રમાં અનાજ વહન કરતા જહાજો પરના હુમલામાં પણ વધારો થયો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે આ ગંભીર તણાવને લઈને અગાઉ પણ અનેક શાંતિ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે, ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુનાઇટેડ નેશન્સ અને અન્ય વૈશ્વિક સંસ્થાઓ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા વચ્ચે કૂટનીતિક સ્તરે કયા પગલાં લેવાય છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
