News of Wednesday, 2nd September 2026
રશિયાએ ગુપ્ત રીતે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ટેક્નોલોજી આપવામાં મદદ કરી: સનસનીખેજ ખુલાસો
અમેરિકી યુદ્ધજહાજો માટે નવો મોટો ખતરો : ઈરાનના મિસાઇલ ભંડારમાં જબ્બર ઉછાળો? : રશિયન નિષ્ણાતોએ મદદ કરી: ૨૦૨૩થી ચાલતો ‘સી-૪૩૦એલ’ ગુપ્ત કાર્યક્રમ ૨૦૨૬ સુધી સક્રિય રહ્યો; જોકે આ મિસાઇલ તૈનાત થયાનો હજુ કોઈ પુરાવો નહીં

મોસ્કો, તા. ૨ : રશિયા વર્ષ ૨૦૨૩થી ઈરાનને નવી પેઢીની સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ટેક્નોલોજી વિકસાવવામાં ગુપ્ત મદદ કરી રહ્યું હોવાનો મોટો ખુલાસો થયો છે. ‘સી-૪૩૦એલ’ કોડનામ ધરાવતા આ કાર્યક્રમમાં રશિયાની સરકારી શસ્ત્ર નિકાસ સંસ્થા રોસોબોરોનેક્સપોર્ટ અને જાણીતી મિસાઇલ નિર્માતા સંસ્થા એનપીઓ મશિનોસ્ટ્રોયેનિયાના નિષ્ણાતો સામેલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
મળેલી માહિતી પ્રમાણે રશિયન મિસાઇલ ઇજનેરોએ અનેક વખત ઈરાનની મુલાકાત લીધી હતી. ઈરાને તૈયાર કરેલી રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમના ઉડાન પરીક્ષણના આંકડા પણ રશિયન નિષ્ણાતોને મોકલવામાં આવ્યા હતા. તેમણે ઈંધણ વ્યવસ્થા, દહનની સ્થિરતા, હવાના પ્રવેશ અને એન્જિન નોઝલ સહિતની તકનીકી બાબતોનું વિશ્લેષણ કરીને વધુ માહિતી માગી હતી. ઈરાન આ રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમ બનાવી તેનું ઉડાન પરીક્ષણ પણ કરી ચૂક્યું હોવાનું જણાવાયું છે.
આ ટેક્નોલોજી સફળતાપૂર્વક મિસાઇલમાં ઉપયોગમાં લેવાય તો ઈરાન અત્યંત ઝડપી અને નીચી ઊંચાઈએ ઉડતી જહાજવિરોધી તથા જમીની લક્ષ્યો પર હુમલો કરતી ક્રૂઝ મિસાઇલો બનાવી શકે છે. આવી મિસાઇલોને શોધવી અને વચ્ચે જ નષ્ટ કરવી હાલની હવાઈ તથા નૌકાદળ સંરક્ષણ વ્યવસ્થાઓ માટે વધુ મુશ્કેલ બની શકે છે.
આ વિકાસ ખાસ કરીને પર્શિયન ગલ્ફ અને આસપાસના દરિયાઈ વિસ્તારમાં તૈનાત અમેરિકી નૌકાદળ માટે ચિંતાજનક માનવામાં આવે છે. ઈરાન અગાઉ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોથી અમેરિકી લશ્કરી મથકો સામે પોતાની ક્ષમતા દર્શાવી ચૂક્યું છે, પરંતુ અમેરિકી યુદ્ધજહાજો સામે તેની અસરકારક ક્ષમતા મર્યાદિત રહી છે.
લીક થયેલા પત્રવ્યવહાર મુજબ આ ગુપ્ત કાર્યક્રમ જૂન ૨૦૨૬ સુધી ચાલુ હતો અને તેના આગામી તબક્કા અંગે પણ ચર્ચા થઈ હતી. જોકે તે તબક્કો શરૂ થયો છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રશિયન સહાયથી વિકસાવવામાં આવેલી કોઈ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઈરાને અત્યાર સુધી કાર્યરત રીતે તૈનાત કરી હોવાનો કોઈ સ્પષ્ટ પુરાવો સામે આવ્યો નથી.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
