<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

યુક્રેનના ડ્રોન હુમલાઓથી રશિયા ચિંતિત: એલોન મસ્કની 'સ્ટારલિંક' સેવાને રોકવા માટે પુતિનની સેનાએ ગોઠવી અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક જામિંગ સિસ્ટમ

યુક્રેનના મિડ-રેન્જ ડ્રોન નેટવર્કને તોડવા રશિયાએ 'વોલ્ના કુપોલ ગેરેન્ટ' જામર્સ તૈનાત કર્યા; સતત હુમલાઓથી બચવા રશિયન સેનાએ સપ્લાય ચેઇનની આખી વ્યુહરચના બદલી

મોસ્કો, તા.૦૮: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે ટેકનોલોજી અને સાયબર મોરચે પણ ખરાખરીનો જંગ જામ્યો છે. રશિયન સરહદની અંદર ઘૂસીને તબાહી મચાવી રહેલા યુક્રેનિયન ડ્રોન હુમલાઓનો સામનો કરવા માટે ક્રેમલિને (રશિયન સરકાર) એક નવો અને આક્રમક માર્ગ શોધ્યો છે. રશિયાએ યુક્રેનની લાંબા અંતરની ડ્રોન કામગીરીના મુખ્ય આધાર ગણાતા એલોન મસ્કની 'સ્ટારલિંક' (Starlink) સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાને ઠપ કરવા માટે અદ્યતન જામિંગ સિસ્ટમ્સ મેદાનમાં ઉતારી દીધી છે.
વાસ્તવમાં, યુક્રેને તાજેતરમાં ઓછા ખર્ચે ઓપરેટ થતા અત્યંત ઘાતક મિડ-રેન્જ સ્ટ્રાઇક ડ્રોન વિકસાવ્યા છે, જે ફ્રન્ટ લાઇનથી ડઝનેક કિલોમીટર દૂર રશિયાના લશ્કરી લોજિસ્ટિક્સ, ઇંધણ સંગ્રહ સુવિધાઓ (ફ્યુઅલ ડેપો), હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને કમાન્ડ સેન્ટરોને સચોટ નિશાન બનાવી રહ્યા છે. આ હુમલાઓના કારણે રશિયાના કબજા હેઠળના ક્રિમીઆમાં ઇંધણની ભારે અછત સર્જાઈ છે. આ મિડ-રેન્જ ડ્રોન પોતાના મિશન દરમિયાન કમાન્ડ અને કંટ્રોલ માટે સંપૂર્ણપણે સ્ટારલિંક ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર નિર્ભર રહે છે. આ કનેક્શનને તોડવા માટે જ હવે રશિયાએ વ્યૂહાત્મક શહેરો અને સૈન્ય મથકોની આસપાસ હાઇ-ટેક ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ ગોઠવી દીધી છે.
યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના મુખ્ય સલાહકાર સેરહી બેસ્ક્રેસ્ટનોવે સત્તાવાર અહેવાલો ટાંકીને જણાવ્યું છે કે, રશિયા હાલમાં 'વોલ્ના કુપોલ ગેરેન્ટ' (Volna Kupol Garant) તરીકે ઓળખાતી શક્તિશાળી જામિંગ સિસ્ટમ તૈનાત કરી રહ્યું છે. આ સિસ્ટમ આશરે ૨૦ ચોરસ કિલોમીટરના વ્યાપક વિસ્તારમાં સ્ટારલિંકના સિગ્નલોને સંપૂર્ણપણે વિક્ષેપિત કે જામ કરવા માટે સક્ષમ છે, જેનાથી યુક્રેનના ડ્રોન દિશાહીન થઈ જાય છે.
ડ્રોન હુમલાથી બચવા માટે રશિયન સેનાએ તેની સપ્લાય લાઇન અને લોજિસ્ટિક્સ યુક્તિઓમાં પણ મોટો ફેરફાર કર્યો છે. 'ધ ઇન્ડિપેન્ડન્ટ'ના અહેવાલ મુજબ, હવે રશિયા મોટા કાફલાને બદલે ભારે મશીનગનથી સજ્જ પિકઅપ ટ્રકોના રક્ષણ હેઠળ નાના કાફલાઓમાં ઇંધણનું પરિવહન કરી રહ્યું છે. યુક્રેનિયન ડ્રોનની નજરમાંથી બચવા માટે આ સૈન્ય વાહનો મુખ્ય હાઇવેના બદલે ગ્રામ્ય કે ગૌણ રસ્તાઓનો ઉપયોગ કરે છે.
યુક્રેનની લશ્કરી ગુપ્તચર એજન્સીના જણાવ્યા અનુસાર, મોરચા પર દારૂગોળો અને પુરવઠો પહોંચાડવા માટે હવે રશિયા નાની નાગરિક કાર, ક્વોડ બાઇક અને મોટરસાઇકલનો આશરો લઈ રહ્યું છે. આ ઉપરાંત, સૈનિકોએ તેમનો કિંમતી પુરવઠો ડગઆઉટ્સ (ભોંયરાઓ), ત્યજી દેવાયેલી ઇમારતો અને ખેતીવાડીના માળખાઓમાં છુપાવવાનું શરૂ કર્યું છે, જ્યારે સૈન્ય વાહનોના ઇંધણ સંગ્રહ માટે સામાન્ય નાગરિક પેટ્રોલ પંપોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

(6:04 PM IST)