<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

રૂપિયામાં એક મહિનાનો સૌથી મોટો ઉછાળો: અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિની આશાએ ડોલર સામે રૂપિયો મજબૂત, જાણો શું છે નવા ભાવ?

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ૭ ટકાનો મોટો ઘટાડો: યુદ્ધના વાદળો વિખેરાતા એશિયન કરન્સીમાં તેજીનો માહોલ, પછડાટ બાદ ભારતીય ચલણે મારી જોરદાર એન્ટ્રી

મુંબઈ: તા.૦૬ ભારતીય રૂપિયા માટે આજનો દિવસ ખુશખબર લઈને આવ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવના અંતની આશા અને સંભવિત શાંતિ કરારના અહેવાલોને પગલે ભારતીય રૂપિયામાં એક મહિનાનો સૌથી મોટો સિંગલ-ડે ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે રૂપિયો ૦.૭ ટકાના વધારા સાથે ૯૪.૬૧ ના સ્તરે પહોંચી ગયો હતો, જે રોકાણકારો માટે મોટી રાહત સમાન છે.
શાંતિની વાતો અને તેલના ભાવમાં કડાકો
વ્હાઇટ હાઉસ અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા અને પરમાણુ વાટાઘાટો માટે એક સમજૂતી કરાર (MoU) થવાની તૈયારીમાં હોવાના અહેવાલોએ વૈશ્વિક બજારનું સેન્ટિમેન્ટ બદલી નાખ્યું છે. આ અહેવાલ બાદ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સમાં ૭ ટકાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો હતો અને તે પ્રતિ બેરલ ૧૦૨ ડોલરની આસપાસ ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. તેલના ભાવ ઘટતા ભારત જેવા આયાતકાર દેશ માટે રૂપિયાનું મૂલ્ય વધવામાં મોટી મદદ મળી છે.
વિક્રમી નીચલા સ્તરેથી શાનદાર રિકવરી
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એટલે કે મંગળવારે રૂપિયો ડોલર સામે ૯૫.૪૩ ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. જોકે, માત્ર ૨૪ કલાકમાં જ સ્થિતિ પલટાઈ છે. ડોલર ઇન્ડેક્સમાં પણ ૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે હાલ ૯૭.૮૮ ના સ્તરે છે. એશિયન બજારોમાં આવેલી આ રિલિફ રેલીને કારણે ભારતીય ચલણ પણ મજબૂત થયું છે અને ગત ૨ એપ્રિલ પછીનો આ સૌથી મોટો ઉછાળો છે.
રોકાણકારો અને અર્થતંત્ર માટે રાહત
રૂપિયાની મજબૂતીથી આયાતકારોને ફાયદો થશે અને દેશમાં મોંઘવારી પર અંકુશ મેળવવામાં મદદ મળશે. શેરબજારમાં જોવા મળેલી તેજી અને રૂપિયાની રિકવરીથી ભારતીય અર્થતંત્રમાં ફરી એકવાર પોઝિટિવ ઉર્જાનો સંચાર થયો છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચે ખરેખર કરાર થઈ જાય છે, તો આગામી દિવસોમાં રૂપિયો હજુ પણ વધુ મજબૂત બની શકે છે તેવી નિષ્ણાતોની ધારણા છે.

(5:58 PM IST)