News of Monday, 7th September 2026
વૈશ્વિક તણાવ અને ક્રૂડતેલના ભાવ વધતાં ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા તૂટ્યો: ૯૪.૫૬ ની સપાટીએ બંધ!
વિદેશી રોકાણકારોની ૩૧૧૧ કરોડની વેચવાલી અને શેરબજારમાં કડાકાથી રૂપિયો દબાણમાં; રિઝર્વ બેંકના હસ્તક્ષેપને કારણે મોટો ઘટાડો અટક્યો

મુંબઈ : વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૂરાજકીય તણાવ, ક્રૂડતેલના ઊંચકાતા ભાવ અને સ્થાનિક શેરબજારમાં જોવા મળેલી નરમાઈના કારણે ભારતીય રૂપિયા પર ભારે દબાણ જોવા મળ્યું છે. સોમવારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયો ૧૩ પૈસાના ઘટાડા સાથે ૯૪.૫૬ ની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સ્થાનિક ઈક્વિટી માર્કેટમાંથી રૂ. ૩૧૧૧.૯૪ કરોડની ચોખ્ખી વેચવાલી કરવામાં આવતાં પણ રૂપિયો નરમ પડ્યો હતો.
આજના કારોબારી સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયો ૯૪.૪૦ ની સપાટીએ સુધારા સાથે ખૂલ્યા બાદ ઊંચામાં ૯૪.૩૮ અને નીચામાં ૯૪.૫૬ સુધી પહોંચ્યો હતો. ટ્રેડરોના જણાવ્યા મુજબ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની FCNR સ્કીમ હેઠળ ડૉલરનો આંતરપ્રવાહ મજબૂત રહ્યો હતો અને બજારમાં RBI ના સંભવિત હસ્તક્ષેપને કારણે રૂપિયામાં વધુ મોટો ઘટાડો થતાં અટકી ગયો હતો. વિશ્વ બજારમાં બ્રિન્ટ ક્રૂડતેલનો ભાવ વધીને બેરલદીઠ ૯૬.૮૪ ડૉલર થતાં ચિંતા વધી હતી.
બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ઈરાન અને ઓમાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગેની ડીલ અંતિમ તબક્કામાં હોવાના અહેવાલોથી જો આગામી દિવસોમાં ક્રૂડતેલના ભાવ ઘટે, તો રૂપિયાને મોટો ટેકો મળી શકે છે. જોકે, આજના દિવસે BSE સેન્સેક્સમાં ૩૮૨ પોઈન્ટ અને NSE નિફ્ટીમાં ૧૧૮ પોઈન્ટનો કડાકો બોલાતાં રૂપિયો સતત દબાણ હેઠળ રહ્યો હતો.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
