<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

સુપ્રીમ કોર્ટ બહાર વિરોધ કવરેજ દરમિયાન હોબાળો: રાહુલ ગાંધી અને કૉંગ્રેસ સમર્થકો સામે ગર્ભવતી મહિલા પત્રકારની ગંભીર ફરિયાદ

૩ મહિનાની ગર્ભવતી પત્રકાર રિચા પરાશરે ગેરવર્તણૂક, ધાકધમકી અને ગુનાહિત બળપ્રયોગના લગાવ્યા આક્ષેપો: નવી દિલ્હી DCP ને તુરંત FIR નોંધવા લેખિત રજૂઆત

નવી દિલ્હી:  રાહુલ ગાંધીની કાનૂની અને રાજકીય મુશ્કેલીઓમાં મોટો વધારો થતો જોવા મળી રહ્યો છે. વિશિષ્ટ ક્ષેત્રના મહિલા પત્રકાર રિચા પરાશરે રાહુલ ગાંધી અને તેમના અન્ય સમર્થકો સામે આકરા આક્ષેપો કરતી ફોજદારી ફરિયાદ દાખલ કરી છે. તેમણે નવી દિલ્હી જિલ્લાના નાયબ પોલીસ કમિશનર (DCP) ને રૂબરૂ અને લેખિત રજૂઆત કરીને આ મામલે વિલંબ વગર તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધવાની માંગ કરી છે. આ ફરિયાદ ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ સુપ્રીમ કોર્ટના પરિસરમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતી વખતે ત્રણ મહિનાની ગર્ભવતી મહિલા પત્રકાર સાથે થયેલી કથિત ગેરવર્તણૂક, ધાકધમકી અને ગુનાહિત બળના ઉપયોગ સાથે સંબંધિત છે.

મહિલા પત્રકારે આપેલી ફરિયાદ મુજબ, સુપ્રીમ કોર્ટ બહાર કવરેજ દરમિયાન વિરોધ કરી રહેલા ટોળા અને નેતાઓના દબાણને કારણે તેમની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી. ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા (BNS), ૨૦૨૩ ની વિવિધ ગંભીર કલમો હેઠળ આકરી કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આમાં મહિલાની લજ્જા ભંગ કરવાના ઈરાદાથી હુમલો અથવા ગુનાહિત બળપ્રયોગ કરવા બદલ કલમ ૭૪, સ્વેચ્છાએ શારીરિક ઈજા કે નુકસાન પહોંચાડવા બદલ કલમ ૧૧૫(૨), તથા કોઈ પણ અચાનક કે ગંભીર ઉશ્કેરણી વગર હુમલો કરવા બદલ કલમ ૧૩૧ હેઠળ ગુનો નોંધવા વિનંતી કરાઈ છે.

આ ઉપરાંત, ફરિયાદ અરજીમાં માનવ જીવન કે વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકતા બેદરકારીભર્યા કૃત્ય બદલ કલમ ૧૨૫ અને સમાન ઈરાદાથી અનેક વ્યક્તિઓ દ્વારા ભેગા મળીને કરવામાં આવેલા ગુનાહિત કૃત્ય માટે સંયુક્ત જવાબદારી નક્કી કરતી કલમ ૩(૫) નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પીડિત મહિલા પત્રકારે પોતાની સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન તેમની સાથે થયેલી આવી હિંસક ઘટના અને ગેરવર્તણૂક અત્યંત ચિંતાજનક છે. આ ઘટનાને પગલે મીડિયા અને રાજકીય ગલિયારોમાં ભારે ખળભળાટ મચી ગયો છે, જ્યારે પોલીસ વહીવટીતંત્ર હાલ આ ફરિયાદના કાનૂની પાસાઓની ચકાસણી કરી રહ્યું છે.

(8:05 PM IST)