તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
કેનેડામાં દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં હંગામો, ખાલિસ્તાની ઝંડા સાથે ઉપદ્રવીઓનો તાંડવ : વેનકૂવરમાં 23 એપ્રિલે યોજાયેલા 'Aura-2026' શોમાં ખાલિસ્તાન સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા
સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ બાદ પોસ્ટર જાહેર કરી ગાયકને 'BJP-RSS એજન્ટ' ગણાવ્યો; પ્રતિબંધિત સંગઠન સિખ્સ ફોર જસ્ટિસે ઘટનાની જવાબદારી લીધી, આગામી શો માં પણ વિક્ષેપ પાડવાની ધમકી આપી

ટોરોન્ટો તા.૩૦ : કેનેડાના વેનકૂવર શહેરમાં 23 એપ્રિલે યોજાયેલા પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝના લાઈવ કોન્સર્ટ 'Aura-2026'માં ખાલિસ્તાન સમર્થકોએ ભારે હંગામો મચાવ્યો હતો. બીસી પ્લેસ સ્ટેડિયમમાં ચાલી રહેલા શો દરમિયાન કેટલાક લોકો ખાલિસ્તાની ઝંડા લહેરાવતા અંદર ઘૂસી આવ્યા હતા અને 'ખાલિસ્તાન ઝિંદાબાદ' સહિત ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. સુરક્ષાકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કરતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી. આખરે સુરક્ષા સ્ટાફે ઉપદ્રવીઓને કાર્યક્રમ સ્થળ બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ શો આગળ વધ્યો હતો.
ઘટના બાદ પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન સિખ્સ ફોર જસ્ટિસ (SFJ) સાથે સંકળાયેલા ગુરપતવંત સિંહ પન્નુએ વીડિયો જાહેર કરીને આ વિક્ષેપની જવાબદારી સ્વીકારી હતી. SFJએ દાવો કર્યો કે આ વિરોધ પ્રદર્શન પવંદીપ સિંહ બસ્સી અને મનદીપ સિંહ રવિના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. સંગઠને ધમકી આપી છે કે દિલજીત દોસાંઝના આંતરરાષ્ટ્રીય પ્રવાસના આગામી શો માં પણ આવા જ વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે. SFJએ એક પોસ્ટર અને 1 મિનિટ 24 સેકન્ડનો વીડિયો પણ જાહેર કર્યો જેમાં દિલજીત દોસાંઝને 'ભાજપ અને RSSનો એજન્ટ' ગણાવવામાં આવ્યો છે. વીડિયોમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દિલજીત વિદેશમાં રહેતા શીખ સમુદાયને ભાજપ-RSSની નજીક લાવવાનું કામ કરી રહ્યો છે.
કોન્સર્ટમાં ઉપસ્થિત લોકોના જણાવ્યા મુજબ દિલજીત જ્યારે પોતાનું લોકપ્રિય ગીત 'પટિયાલા પેગ' ગાઈ રહ્યો હતો ત્યારે એક જૂથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જોકે સૂત્રોચ્ચારનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. SFJએ પોતાના નિવેદનમાં કહ્યું કે દિલજીત તેની વૈશ્વિક લોકપ્રિયતાનો ઉપયોગ શીખ ડાયસ્પોરા અને ભારત સરકાર વચ્ચેનું અંતર ઘટાડવા માટે કરી રહ્યો છે. સંગઠને ધમકી આપી છે કે તેમનો વિરોધ વેનકૂવરથી શરૂ થયો છે અને કેલગરી, એડમોન્ટન, વિનિપેગ, ટોરોન્ટો, ઇલિનોઇસ, ફ્લોરિડા, ટેક્સાસ, ન્યૂયોર્ક અને કેલિફોર્નિયામાં યોજાનારા શો સુધી ચાલુ રહેશે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે દિલજીત દોસાંઝે થોડા દિવસ પહેલા અમેરિકાના 'ધ ટુનાઇટ શો સ્ટારિંગ જિમી ફેલન'માં વેનકૂવર શોમાં 55,000 લોકોની હાજરીને 1914ની કોમાગાટા મારુ ઘટના સાથે જોડી હતી. તેણે કહ્યું હતું કે જે શહેરમાં શીખોને ઉતરવા દેવામાં આવ્યા નહોતા, ત્યાંથી માત્ર 2 કિલોમીટર દૂર આજે 55,000 શીખો તેનો શો જોવા આવ્યા. કેનેડિયન સત્તાવાળાઓએ હજુ સુધી આ ઘટના અંગે વિગતવાર નિવેદન જારી કર્યું નથી. અગાઉ પણ SFJ દ્વારા દિલજીત દોસાંઝને અનેક વખત ધમકીઓ આપવામાં આવી ચૂકી છે. વિદેશમાં ભારતીય કલાકારોના કાર્યક્રમોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
