<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

રૂ. ૫માં સ્વાદિષ્ટ ભોજનનો થાળ: દિલ્હીમાં ૧૦૦ 'અટલ કેન્ટીન' કાર્યરત : મંત્રીઓ અને ગરીબો એક સાથે બેસીને માણી રહ્યા છે ગરમાગરમ પૌષ્ટિક ખાણું

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે દિલ્હી સરકારે પૂર્ણ કર્યો સંકલ્પ : રોજ ૧ લાખથી વધુ લોકોને માત્ર ૫ રૂપિયામાં મળશે સ્વાદિષ્ટ ભોજન

નવી દિલ્હી: દિલ્હીની શેરીઓમાં અને મજૂર વિસ્તારોમાં હવે ભૂખ સામેનો જંગ વધુ મજબૂત બન્યો છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મશતાબ્દીના પાવન અવસર પર દિલ્હી સરકારે "અટલ કેન્ટીન" યોજના હેઠળ ૧૦૦મી કેન્ટીન કાર્યરત કરીને પોતાનું મોટું વચન પૂરું કર્યું છે. રાજધાનીના ખૂણે-ખૂણે શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે દિલ્હીમાં એકપણ શ્રમિક, ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિ રાત્રે ભૂખ્યા પેટે ન ઊંઘે. આ કેન્ટીનોમાં માત્ર રૂ. ૫માં પૌષ્ટિક, તાજું અને ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવી રહ્યું છે.

આ યોજનાની સૌથી ખાસ અને રસપ્રદ બાબત એ છે કે અહીં VIP કલ્ચર અને આભડછેટના ભેદભાવો સંપૂર્ણપણે ભુલાઈ ગયા છે. તાજેતરમાં નહેરુ નગરમાં યોજાયેલા ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ગૃહમંત્રી આશિષ સૂદે જાતે જ લાઈનમાં ઉભા રહીને ૫ રૂપિયાનું ડિજિટલ ટોકન લીધું હતું. માત્ર ટોકન જ નહીં, પરંતુ તમામ નેતાઓએ સામાન્ય શ્રમિકો સાથે એક જ ટેબલ પર બેસીને આ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાતે ભોજન ચાખીને તેની ઉત્કૃષ્ટ ગુણવત્તા અને સ્વાદના વખાણ કર્યા હતા.

પ્રથમ તબક્કામાં ૪૫ સ્થળોએથી શરૂ થયેલું આ અભિયાન હવે ૧૦૦ અટલ કેન્ટીન સુધી પહોંચી ચૂક્યું છે. પ્રત્યેક કેન્ટીનમાં દરરોજ આશરે ૧,૦૦૦ લોકોને બપોરે અને રાત્રે સન્માનપૂર્વક ભોજન કરાવવાની ક્ષમતા ઊભી કરવામાં આવી છે. આધુનિક સ્ટીલના ટેબલ-ખુરશી, શુદ્ધ પીવાનું પાણી, CCTC સર્વેલન્સ અને FSSAI દ્વારા પ્રમાણિત સ્વચ્છતાના કડક ધોરણો સાથે આ કેન્ટીનો દિલ્હીના ગરીબ વર્ગ માટે એક મોટો આશરો બની ગઈ છે. વાજપેયીજીના 'અંત્યોદય'ના સ્વપ્નને સાકાર કરતી આ પહેલ આજે સમગ્ર દિલ્હીમાં ચર્ચાનો વિષય બની છે.

(7:41 PM IST)