<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

રૂ. ૩૦,૦૦૦ કરોડના આરકે ફેમિલી ટ્રસ્ટનો વિવાદ ૧૫ બેઠકો બાદ પણ વણઉકેલ્યો: સાસુ રાની કપૂર અને પુત્રવધૂ પ્રિયા કપૂર વચ્ચે મધ્યસ્થી નિષ્ફળ: હવે કોર્ટ કરશે નિર્ણય

ભૂતપૂર્વ CJI ડીવાય ચંદ્રચુડની આગેવાનીમાં સમાધાનના પ્રયાસો અટકાવાયા : રાની કપૂરે રૂ. ૬,૦૦૦ કરોડના સમાધાનની માંગ અને ટ્રસ્ટની માન્યતાને પડકારી : જ્યારે પ્રિયા કપૂરે ૬૦ ટકા હિસ્સાનો દાવો કર્યો અને કરિશ્મા કપૂરના બાળકોએ પણ ૨૪ થી ૨૬ ટકા હિસ્સો માંગ્યો

નવી દિલ્હી :  અંદાજે રૂ. ૩૦,૦૦૦ કરોડની સંપત્તિ ધરાવતા 'આરકે ફેમિલી ટ્રસ્ટ'ને લઈને કપૂર પરિવારમાં ચાલી રહેલો મિલકત વિવાદ ૧૫ બેઠકો બાદ પણ ઉકેલાઈ શક્યો નથી અને હવે આ લડાઈ કાનૂની આધાર પર આગળ વધશે. જસ્ટિસ જેબી પારડીવાલા અને કે વિનોદ ચંદ્રનની સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ મધ્યસ્થી પ્રક્રિયાના કોઈ પરિણામ ન આવ્યાની માહિતી રજૂ કરાયા બાદ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની મધ્યસ્થી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ પક્ષને સમાધાન માટે દબાણ કરી શકાય નહીં અને ૧૫ બેઠકો પછી પણ સમજૂતી ન થતાં મુખ્ય કેસની સુનાવણી આગળ વધવી જોઈએ. અહેવાલ મુજબ, રાની કપૂરે પોતાના દાવાના સમાધાન માટે આશરે રૂ. ૬,૦૦૦ કરોડની માંગણી કરી હતી, પરંતુ તે દરખાસ્ત પર પણ સહમતિ સધાઈ શકી નહોતી, અને તેમણે દિલ્હી હાઈકોર્ટમાં ટ્રસ્ટની માન્યતાને પડકારતી અરજી દાખલ કરી આરોપ મૂક્યો છે કે તેમની સંપત્તિને જાણકારી અને સંમતિ વિના ટ્રસ્ટમાં સામેલ કરાઈ હતી.

મે ૨૦૨૬માં સુપ્રીમ કોર્ટ દ્વારા વાટાઘાટો મારફતે ઉકેલ લાવવાની આશા સાથે ડીવાય ચંદ્રચુડને મધ્યસ્થી નિયુક્ત કરાયા હતા, પરંતુ અનેક રાઉન્ડની ચર્ચાઓ છતાં બંને પક્ષો પોતપોતાના વલણ પર અડગ રહ્યા અને પરસ્પર આરોપ-પ્રત્યારોપ સામે આવ્યા. સુનાવણી દરમિયાન રાની કપૂરના વકીલ સિદ્ધાર્થ દવેએ જણાવ્યું કે સમાધાનનો પ્રસ્તાવ અપાયો હતો, પરંતુ છ મહિના સુધી કોઈ જવાબ મળ્યો નહોતો; બીજી તરફ પ્રિયા સચદેવ કપૂરના વકીલ મુકુલ રોહતગીએ આરોપ લગાવ્યો કે રાની કપૂર પુત્રવધૂ સાથે સંયુક્ત બેઠકોમાં બેસવા તૈયાર નહોતી. આ મામલે કરિશ્મા કપૂર અને સંજય કપૂરના બાળકોના હિસ્સાનો મુદ્દો પણ જોડાયેલો છે, જ્યાં બાળકોના વકીલોએ ટ્રસ્ટમાં ૨૪ થી ૨૬ ટકા હિસ્સાનો દાવો કર્યો છે, જ્યારે પ્રિયા કપૂરે ૬૦ ટકા હિસ્સાનો દાવો રજૂ કર્યો છે.

વિવિધ પક્ષકારોના દાવાઓ અને હિસ્સાની માંગને કારણે રૂ. ૩૦,૦૦૦ કરોડની ટ્રસ્ટ સંપત્તિનો વિવાદ વધુ જટિલ બન્યો છે. સુપ્રીમ કોર્ટે હવે દિલ્હી હાઈકોર્ટને ટ્રસ્ટની સંપત્તિના રક્ષણ માટે દાખલ વચગાળાની અરજી પર સમયસર નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે, જેથી મધ્યસ્થી પૂર્ણ થયા બાદ હવે તમામ પક્ષોની નજર અદાલતની સુનાવણી પર કેન્દ્રિત થઈ છે અને આગામી કાનૂની કાર્યવાહી અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહી છે.

(6:47 PM IST)