તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
સિંહસ્થ માટેના રૂ.૨,૮૪૨ કરોડના પ્રોજેક્ટ્સ વિવાદમાં: રસ્તા અને પુલના રૂટ બદલાતાં ગંભીર સવાલો ઊઠ્યા
અધિકારીઓની બેદરકારી કે પ્રભાવશાળી લોકોને ફાયદો કરાવવાનું કાવતરું; રૂ. ૨,૬૦૦ કરોડનો હાઇવે સાત મહિનામાં બે વાર તૂટી પડ્યો

ઉજ્જૈન : સિંહસ્થ મહાકુંભની તૈયારીઓ વચ્ચે ઉજ્જૈનમાં રૂ. ૨,૮૪૨ કરોડના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સમાં મોટા પાયે વિવાદ અને ગંભીર ગડબડી સામે આવી રહી છે, જ્યાં જમીન સંપાદનના મુદ્દાઓ અને વિભાગો વચ્ચે સંકલનના ભારે અભાવને કારણે અનેક રસ્તા તથા પુલના નિર્માણ પ્રશ્નાર્થ હેઠળ આવ્યા છે. આ ગંભીર બાબતે સત્તાવાર બેદરકારી છે કે પછી કોઈ ચોક્કસ પ્રભાવશાળી જૂથને ફાયદો કરાવવાનો પ્રયાસ છે તે અંગે તપાસ હાથ ધરાતાં પાંચ મોટા પ્રોજેક્ટ્સની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સમગ્ર મામલે પ્રથમ કિસ્સામાં ઉજ્જૈનને રાજસ્થાન સાથે જોડતા રૂ.૨,૬૦૦ કરોડના ઉજ્જૈન-ગરોથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પ્રેમનગર રેલ્વે ઓવરબ્રિજ પાસેનો એપ્રોચ રોડ અને રિટેનિંગ વોલ ૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ૨૦૦ મીટર ખાડામાં પડી ગયા બાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બ્લોક્સ ફરીથી લપસી જતાં સાત મહિનામાં બીજી વખત ક્ષતિગ્રસ્ત થયો હતો. આ અંગે IIT દિલ્હીની ટીમે ૨૨ ઓગસ્ટના રોજ નિરીક્ષણ કરી પાયા અને ડ્રેનેજ સિસ્ટમમાં ટેકનિકલ ખામીઓ દર્શાવતો અહેવાલ આપ્યો હતો, જેને પગલે સાંસદ અનિલ ફિરોઝિયાની ફરિયાદ બાદ કેન્દ્રીય તપાસ ટીમ પહોંચી હતી અને હવે ૪૦૦થી ૫૦૦ મીટર રોડ તોડીને બાંધકામ એજન્સીના રૂ.૧૦ કરોડના ખર્ચે ફરી બનાવવા અને NHAI દ્વારા માર્ચ ૨૦૨૭ સુધીમાં સમારકામ પૂરું કરવાનો લક્ષ્યાંક રખાયો છે.
બીજા કિસ્સામાં ઇન્દોરથી મેળા વિસ્તારમાં યાત્રાળુઓની સુવિધા માટે ડીમાર્ટથી એમઆર-૨૧ સુધી રૂ.૧૩.૩૮ કરોડના ખર્ચે રોડ અને શિપ્રા નદી પર રૂ.૨૩.૨૬ કરોડના ખર્ચે બની રહેલા પુલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને માર્ગ-પુલ વિભાગ વચ્ચે સંકલનના અભાવે ઓગસ્ટમાં બંનેના સંરેખણમાં ૩૦ ડિગ્રીનો તફાવત બહાર આવ્યો હતો, જેના કારણે રોડ પુલને જોડવાને બદલે ખેતરમાં ફેરવાઈ જતાં હવે વધારાની ખેતીની જમીન સંપાદિત કરીને નવો રૂટ જોડવાની યોજના બનાવાઈ રહી છે. ત્રીજા કિસ્સામાં વાકંકાર પુલની સમાંતર રૂ.૧૬.૭ કરોડના ખર્ચે બની રહેલા ૨૪૦ મીટર લાંબા પુલને ૩૦ થી ૩૫ ડિગ્રી ઢાળીને જૂના પુલથી ૧૦0 મીટર દૂર કરી દેવાતાં પ્રભાવશાળી લોકોની જમીન બચાવવાનો આરોપ લાગ્યો છે, જેનાથી રૂ.૨.૫ કરોડના સ્માર્ટ સિટી પાર્કિંગને અસર પહોંચી છે અને રૂ.૧.૫ કરોડનો વધારાનો બોજ પડ્યો છે, જોકે બ્રિજ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પી.એસ. પંતે અકસ્માત બ્લેક સ્પોટ ટાળવા ૨૦૨૫ના મંજૂર પ્લાન મુજબ કામ થતું હોવાનું કહી આરોપો ફગાવ્યા હતા.
ચોથા કિસ્સામાં ઉજ્જૈન સ્ટેશન પર ટ્રેનની ભીડ ૩૦% ઘટાડવા ચિંતામણ ગણેશથી નૈખેરી સુધી રૂ.૧૮૯ કરોડના ખર્ચે બિછાવાઈ રહેલી ૮.૬૦ કિમી રેલ લાઈનમાં ઓછી જમીન વાળા રૂટને બદલે વધુ જમીન સંપાદનવાળો રૂટ પસંદ કરાતાં ખેડૂતોએ જુલાઈમાં એસડીએમ કોર્ટમાં અપીલ કરી હતી, છતાં ૨૪ સપ્ટેમ્બરે વાંધા નિર્ણય વિના જ નોટિફિકેશન જારી કરી દેવાતાં વિરોધ નોંધાવાયો છે. જ્યારે પાંચમા કિસ્સામાં દત્તાણાથી નાગઝીરી સુધીના ચાર-લેન પ્રોજેક્ટમાં PWD દ્વારા ૧૧ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ૧.૭૦ કિમીના બાકી કામ માટે બહાર પાડવામાં આવેલું રૂ.૭.૭૬ કરોડનું ટેન્ડર કોઈ કારણ આપ્યા વિના રદ કરાયું હતું, તેમજ ૮.૮ કિમી લાંબા પ્રોજેક્ટનું માર્ચ ૨૦૨૬માં નિરીક્ષણ કરાતાં ધીમા બાંધકામ બદલ બિંદલ કોન્ટ્રાક્ટર એન્ડ ડેવલપર્સને રૂ.૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આમ, સિંહસ્થ મહાકુંભ જેવા અતિ સંવેદનશીલ અને ધાર્મિક ઉત્સવ પૂર્વે જ સરકારી વિભાગોની આંતરિક ખેંચતાણ અને ટેકનિકલ બેદરકારીને કારણે અબજો રૂપિયાના સરકારી ભંડોળનો દુરુપયોગ થઈ રહ્યો હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ વિવાદિત પ્રોજેક્ટ્સની ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિ મારફતે પુનઃ સમીક્ષા કરવામાં આવશે, અને દોષિત એજન્સીઓ તથા અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક કાનૂની પગલાં ભરીને સમયમર્યાદામાં તમામ નિર્માણ કાર્યો ભ્રષ્ટાચાર રહિત પૂર્ણ કરાવવાની દિશામાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
