<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

કોઈપણ દાવા વગરની રૂ.૧.૧ લાખ કરોડની રકમ

રૂ.૮૩,૦૦૦ કરોડની અનક્‍લેઈમ્‍ડ બેન્‍ક ડિપોઝીટ છે અને રૂ.૧૦,૦૦૦ કરોડની એસેટ્‍સ અનક્‍લેઈમ્‍ડ ઈક્‍વિટી સ્‍વરૂપે છે. અન્‍ય રૂ.૧૪,૦૦૦ કરોડની અનક્‍લેઈમ્‍ડ વીમા પોલિસી : રેગ્‍યૂલેટર્સે ‘યોર મની, યોર રાઈટ' કેમ્‍પેઈન શરૂ કર્યું છતાં જંગી રકમ રિક્‍લેઇમ કરવાની સમસ્‍યા

નવી દિલ્‍હી તા.૨૬: ભારતીયોની દાવા વગરની (અનક્‍લેઈમ્‍ડ) ફાઈનાન્‍શિયલ એસેટ્‍સ ૨૦૨૫-૨૬માં વધીને રૂ.૧.૧ લાખ કરોડ થઈ ગઈ છે. સરકારે લોકસભામાં આ વિગત આપી છે. આ પૈકી રૂ.૮૩,૦૦૦ કરોડની અનક્‍લેઈમ્‍ડ બેન્‍ક ડિપોઝીટ છે અને રૂ.૧૦,૦૦૦ કરોડની એસેટ્‍સ અનક્‍લેઈમ્‍ડ ઈક્‍વિટી સ્‍વરૂપે છે. અન્‍ય રૂ.૧૪,૦૦૦ કરોડની અનક્‍લેઈમ્‍ડ વીમા પોલિસી છે.

આ દાવા વગરની તમામ એસેટ્‍સ વિવિધ રેગ્‍યૂલેટર્સના નિયંત્રણ હેઠળ છે. રિઝર્વ બેન્‍કના નિયંત્રણ હેઠળની એસેટ્‍સ ડિપોઝીટર એજ્‍યુકેશન એન્‍ડ અવેરનેસ ફંડમાં છે. સેબીના નિયંત્રણ હેઠળની એસેટ્‍સ ઈન્‍વેસ્‍ટર પ્રોટેક્‍શન એન્‍ડ એજ્‍યુકેશન ફંડ (IPEF)માં છે.

દાવા વગરની એસેટ્‍સ આમ ને આમ પડી રહી છે તેનું મુખ્‍ય કારણ જૂના ખાતા સંબંધિત હોવાનું જણાય છે જેમાં નો યોર કસ્‍ટમર (KYC) પ્રક્રિયા ડિજિટલી નહીં, પરંતુ મેન્‍યુઅલી કરવામાં આવી હોય.

આધાર કાર્ડ અને પાન કાર્ડ નંબર લિન્‍ક કરવાની પ્રક્રિયા અમલી બની તે પહેલાં રજિસ્‍ટર થયેલા ખાતા હાથે લખાયેલા હતા, જેમાં સ્‍પેલિગની સામાન્‍ય ભૂલો હોય કે ફેરફાર હોય, કાયમી સરનામું ન હોય. હવે બેનિફિશિયરી ડિજિટલ કેવાયસીની મદદથી ફંડ વિડ્રો કરવા માગતા હોય તો તેમને મુશ્‍કેલી પડી રહી છે.

દેશમાં અનક્‍લેઈમ્‍ડ એસેટ્‍સની સમસ્‍યા ડોર્મન્‍ટ એકાઉન્‍ટ સંબંધિત જ નથી, પરંતુ બેન્‍ક, વીમા કંપની, ડિપોઝીટરી, કંપનીના રેકોર્ડ, વગેરે તમામમાં એન્‍ટાઈટલમેન્‍ટના પુરાવા સંબંધિત સમસ્‍યા છે. વારસાઈના ઘણાં કેસમાં માલિકી કાગળ પર હોય, પરંતુ દાવો કરનાર વ્‍યક્‍તિએ તેમની ઓળખ, વારસાનો હક, ડોક્‍યૂમેન્‍ટ્‍સ, વગેરે પુરાવા આપવા પડે છે. તેને કારણે આ સમસ્‍યા ઊભઈ થયેલી છે. ખાસ કરીને ડિજિટલ કેવાયસી થયું તે પહેલાંના જૂના રેકોર્ડમાં આ સમસ્‍યા વધારે છે. વાસ્‍તવિક વારસદાર હોવા છતાં નામ-સરનામામાં જરા પણ ખામી જણાય તો એફિડેવિટ કરવું પડે છે, એનઓસી માગવામાં આવે છે, વારસા સંબંધિત કાગળ માગવામાં આવે છે અને અનેક ઓફિસોમાં વેરિફિકેશનનાં નામે ધક્કા ખાવા પડે છે.

ઘણાં કિસ્‍સામાં નોમિની ન હોવાને કારણે પણ આ સમસ્‍યા જોવા મળી રહી છે, જેમાં પરિવારના પરિવારના તમામ સભ્‍યોનું એનઓસી જોઈએ.

સરકારે આવી એસેટ્‍સ પર ક્‍લેઈમ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવી છે અને ડિજિટલ સ્‍વરૂપે સ્‍પેશ્‍યલ પ્‍લેટફોર્મ સ્‍થાપ્‍યા છે. તેમ છતાં ક્‍લેઈમની સંખ્‍યા નોંધપાત્ર વધી નથી. આરબીઆઈ, સેબી અને અન્‍ય સંબંધિત રેગ્‍યૂલેટર્સે ‘યોર મની, યોર રાઈટ' કેમ્‍પેઈન શરૂ કર્યું હતું જેમાં ૭૪૮ જિલ્‍લા આવરી લેવાયા હતા જેને પગલે રૂ.૫૭૭૭ કરોડની એસેટ્‍સના દાવા મંજૂર થયા હતા. જોકે અનક્‍લેઈમ્‍ડ એસેટ્‍સની રકમ જોતા હજી ઘણી મહેનત કરવી પડશે.

(10:06 AM IST)