<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

બેંગલુરુના વિકાસ પાછળ રોજના રૂ.100 કરોડનો ધુમાડો: જનતા પૂછે છે ‘પૈસા જાય છે ક્યાં?’

ખબડબચડા રસ્તા, ટ્રાફિક જામ અને પાણીની અછત વચ્ચે સિટી એક્સપેન્ડિચરના આંકડાએ મચાવ્યો ખળભળાટ: 80% બજેટ પર સરકારી એજન્સીઓનો કબજો પણ પારદર્શિતાના નામે મીંડું, 29 સત્તામંડળોના જાળમાં ફસાયેલા જાહેર નાણાંનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી

બેંગલુરુ: લિકોન સિટી તરીકે ઓળખાતું બેંગલુરુ અત્યારે માળખાગત સુવિધાઓના અભાવે ટાંગાટોળી અનુભવી રહ્યું છે, ત્યારે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે કે શહેરમાં દરરોજ સરેરાશ 100 કરોડ રૂપિયાથી વધુનો જાહેર ખર્ચ કરવામાં આવે છે. ‘ધ બેંગલુરુ ડિબેટ્સ’ની ત્રીજી આવૃત્તિમાં રજૂ કરાયેલા ડેટા મુજબ, વર્ષ 2021-22માં શહેરનો કુલ ખર્ચ અંદાજે રૂ.38,455 કરોડ હતો. આશ્ચર્યની વાત એ છે કે આટલી જંગી રકમ ખર્ચાઈ રહી હોવા છતાં બેંગલુરુના રસ્તાઓ ખાડામુક્ત થવાનું નામ નથી લેતા કે પાણીની કટોકટી ઉકેલાતી નથી. નાગરિક સંગઠન જનઆગ્રહના મતે, આ આંકડા મેળવવા માટે 70 થી વધુ છૂટાછવાયા દસ્તાવેજો ફેંદવા પડ્યા હતા, કારણ કે શહેર સ્તરે ખર્ચને ટ્રેક કરવા માટે કોઈ એકીકૃત સત્તાવાર એજન્સી કે વેબસાઇટ અસ્તિત્વમાં જ નથી.
શહેરની આ ખંડિત નાણાકીય વ્યવસ્થામાં સૌથી મોટો પેચ એ છે કે કુલ ખર્ચના માત્ર 20% રકમ જ ચૂંટાયેલી મહાનગર પાલિકા (BBMP) દ્વારા ખર્ચાય છે, જ્યારે બાકીનો 80% હિસ્સો બેસ્કોમ, મેટ્રો (BMRCL) અને વોટર બોર્ડ (BWSSB) જેવી પેરાસ્ટેટલ એજન્સીઓ હસ્તક રહે છે. આ એજન્સીઓ સરકારી અંકુશ હેઠળ હોવા છતાં પારદર્શિતાના મામલે અત્યંત પછાત છે. અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે કે પેરાસ્ટેટલ સંસ્થાઓ તેમની નાણાકીય માહિતીનો સરેરાશ માત્ર 34% હિસ્સો જ જાહેર જનતા સમક્ષ મૂકે છે. B-SMILE જેવી એજન્સીઓ, જેમને 2026-27ના વર્ષમાં 3,200 કરોડની ફાળવણી મળી છે, તેમની પાસે તો પોતાની સાદી વેબસાઇટ પણ નથી, જે સરકારી નાણાંના વપરાશ સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
બેંગલુરુના જાહેર ખર્ચમાં પારદર્શિતા લાવવા માટે નિષ્ણાતોએ હવે ‘આમૂલ સુધારા’ની માંગ કરી છે. ચર્ચામાં સહભાગી થયેલા પૂર્વ કાઉન્સિલરો અને સામાજિક કાર્યકરોએ ભાર મૂક્યો હતો કે જ્યાં સુધી તમામ 29 જાહેર સત્તામંડળોને એક સમાન નાણાકીય માળખા હેઠળ લાવીને એકીકૃત ડેશબોર્ડ તૈયાર કરવામાં નહીં આવે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર અને બિનકાર્યક્ષમતા અટકાવવી અશક્ય છે. વોર્ડ અને પ્રોજેક્ટ સ્તરનો ડેટા ઓનલાઇન ઉપલબ્ધ કરાવવાની સાથે મશીન-રીડેબલ ફોર્મેટમાં માહિતી જાહેર કરવાની ભલામણ કરવામાં આવી છે. જો 2026 સુધીમાં આ વ્યવસ્થામાં સુધારો નહીં થાય, તો ટેક્સપેયર્સના કરોડો રૂપિયા આ રીતે જ ‘સિસ્ટમના અંધારા’માં ખોવાતા રહેશે અને શહેરની પાયાની સમસ્યાઓ ઠેરની ઠેર જ રહેશે.

(12:22 PM IST)