<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

આઈપીએલ ૨૦૨૬ ના ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ધમાકેદાર એન્ટ્રી : ક્વોલિફાયર-૧ માં ગુજરાત ટાઇટન્સને ૯૨ રને કચડીને રજત બ્રિગેડે ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી

ધર્મશાલાના મેદાન પર આરસીબીએ ખડક્યો ૨૫૪ રનનો ઐતિહાસિક સ્કોર : કેપ્ટન રજત પાટીદારના અણનમ ૯૩ રન અને જેકબ ડફીની ત્રણ વિકેટ સામે ગુજરાત ૧૬૨ રનમાં ઓલઆઉટ

ધર્મશાલા: આઈપીએલ ૨૦૨૬ ના ખિતાબી મુકાબલામાં પહોંચનારી પ્રથમ ટીમ તરીકે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) એ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મંગળવારના રોજ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલા ક્વોલિફાયર-૧ ના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આરસીબીએ શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત ટાઇટન્સ (જીટી) ને ૯૨ રનથી કારમો પરાજય આપ્યો છે. આ શાનદાર જીત સાથે જ આરસીબીએ સીધી જ ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ પાસે હજુ પણ ફાઈનલમાં પહોંચવાની વધુ એક તક બચી છે. ગુજરાતની ટીમ હવે આગામી ૨૯ મેના રોજ રમાનારા ક્વોલિફાયર-૨ માં એલિમિનેટર મેચની વિજેતા ટીમ સામે ટકરાશે. ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે એલિમિનેટર મુકાબલો રમાવાનો છે.

આરસીબીએ પ્લેઓફના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો:

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૫૪ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જે આઈપીએલ પ્લેઓફના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી સર્વોચ્ચ સ્કોર બની ગયો છે. આરસીબીના કેપ્ટન રજત પાટીદારે સુકાનીપદને છાજે તેવી તોફાની બેટિંગ કરતા માત્ર ૩૩ બોલમાં ૫ ચોગ્ગા અને ૯ ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ ૯૩ રનની ઇનિંગ રમી હતી. જોકે, આરસીબીની શરૂઆત ખાસ રહી ન હતી. ઓપનર વેંકટેશ અય્યર ૭ બોલમાં ૧૯ રન (૩ ચોગ્ગા, ૧ છગ્ગો) બનાવીને કગિસો રબાડાની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે બીજી વિકેટ માટે ૭૨ રનની મજબૂત ભાગીદારી કરી હતી. જેસન હોલ્ડરે એક જ ઓવરમાં આ બંને ખેલાડીઓને આઉટ કરીને ગુજરાતને મોટી સફળતા અપાવી હતી, જેમાં વિરાટ કોહલીએ ૨૫ બોલમાં ૪૩ રન (૫ ચોગ્ગા, ૧ છગ્ગો) અને પડિક્કલે ૧૯ બોલમાં ૩૦ રન બનાવ્યા હતા. ચોથી વિકેટ માટે કેપ્ટન રજત પાટીદાર અને ક્રુણાલ પંડ્યાએ ૯૫ રનની આક્રમક ભાગીદારી કરીને ટીમનો સ્કોર બસોને પાર પહોંચાડ્યો હતો. ક્રુણાલ પંડ્યા ૨૮ બોલમાં ૪૩ રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. અંતમાં ટિમ ડેવિડ ૪ રને આઉટ થયા બાદ જીતેશ શર્માએ ૫ બોલમાં અણનમ ૧૫ રન ફટકારીને કેપ્ટન પાટીદાર સાથે છઠ્ઠી વિકેટ માટે ૪૦ રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી.

ગુજરાતની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ:

૨૫૫ રનના વિશાળ અને પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. પાવરપ્લેની ૬ ઓવરમાં જ ગુજરાતે માત્ર ૫૧ રનમાં પોતાની ૫ મુખ્ય વિકેટો ગુમાવી દીધી હતી. ઓપનર સાઈ સુદર્શન ૯ બોલમાં ૧૪ રન બનાવી જેકબ ડફીની ઓવરમાં હિટ વિકેટ આઉટ થયો હતો. ત્યારબાદ ચોથી ઓવરમાં અનુભવી બોલર ભુવનેશ્વર કુમારે ગુજરાતના કેપ્ટન શુભમન ગિલને માત્ર ૨ રને બોલ્ડ કરીને મોટો ઝટકો આપ્યો હતો. છઠ્ઠી ઓવરમાં રસિખ સલામે તરખાટ મચાવતા નિશાંત સિંધુ (૫) અને જેસન હોલ્ડરને શૂન્ય રને આઉટ કરીને ગુજરાતની કમર તોડી નાખી હતી. વોશિંગ્ટન સુંદર પણ ૮ રન બનાવી ડફીનો શિકાર બન્યો હતો. મિડલ ઓર્ડરમાં રાશિદ ખાન ૮ રને અને કગિસો રબાડા ૯ રન બનાવી આઉટ થતાં ગુજરાતનો સ્કોર ૮ વિકેટે ૯૪ રન થઈ ગયો હતો.

રાહુલ તેવતિયાની એકલપંડે લડત પણ એળે ગઈ:

એકતરફી બની ગયેલી મેચમાં ગુજરાત તરફથી રાહુલ તેવતિયાએ શાનદાર લડત આપતા ૪૩ બોલમાં ૬૮ રનની અર્ધસદી ફટકારી હતી. તેણે મોહમ્મદ સિરાજ સાથે મળીને નવમી વિકેટ માટે ૬૮ રનની લડાયક ભાગીદારી નોંધાવીને પરાજયનું અંતર ઘટાડ્યું હતું. ૧૯મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે તેવતિયાને આઉટ કરીને આ ભાગીદારીનો અંત આણ્યો હતો. ત્યારબાદ ક્રુણાલ પંડ્યાએ મોહમ્મદ સિરાજ (૫) ને આઉટ કરીને ગુજરાતની ઇનિંગને ૧૯.૩ ઓવરમાં ૧૬૨ રન પર સમેટી લીધી હતી અને પ્રસિદ્ધ ક્રિષ્ના ૬ રને અણનમ રહ્યો હતો. બેંગલુરુ તરફથી બોલિંગમાં જેકબ ડફી સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે ૩ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ભુવનેશ્વર કુમાર, ક્રુણાલ પંડ્યા અને રસિખ સલામે બે-બે વિકેટો ઝડપીને આરસીબીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

(11:50 PM IST)