<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

રૂફટોપ સોલારના નિયમો બદલાશેઃ ૫ મનપસંદ મીટરિંગના વિકલ્‍પો મળશે

જર્ક-GERC દ્વારા ગ્રીડ કનેક્‍ટેડ રિન્‍યુએબલ એનર્જી માટે ‘ડ્રાફટ ડિસ્‍ટ્રીબ્‍યુટેડ રિન્‍યુએબલ એનર્જી સોર્સસિ રેગ્‍યુલેશન્‍સ-૨૦૨૬' જાહેર કરાયોઃ ૧૦ kW સુધી કોઈ મંજૂરીની પળોજણ નહીં રહે, સીધી લીલી ઝંડી મળી જશે : નવા નિયમો અંતર્ગત જો ગ્રાહકની સોલાર ફાઈલની મંજૂરીમાં વીજ કંપનીઓ કારણ વગર વિલંબ કરશે, તો તેમણે ગ્રાહકોને રોજના રૂા. ૫૦૦ દંડ પેટે આપવા પડશે

નવી દિલ્‍હી તા.૨૨: ગુજરાત વિદ્યુત નિયમનકારી આયોગ-જર્ક-GERC દ્વારા ૧૬મી મે-૨૦૨૬ના રોજ ‘ડ્રાફટ ડીસ્‍ટ્રીબ્‍યુટેડ રિન્‍યુએબલ એનર્જી સોર્સીસ રેગ્‍યુલેશન્‍સ, ૨૦૨૬' પ્રસિધ્‍ધ કરાયો છે. આ માટે ૩૦ દિવસમાં વાંધા-સૂચનો મંગાવાયા છે ત્‍યારબાદ સુનાવણીની પ્રક્રિયા પૂરી કર્યા બાદ આ નિયમો ગેઝેડમાં જાહેર કરાયા બાદ તેનો અમલ શરુ કરી દેવાશે. આ ડ્રાફટ મુજબ વર્ષ-૨૦૧૬ના એક દાયકા જૂના રૂફટોપ સોલાર નિયમોને જડમૂળથી રદ કરીને આ વખતે ગ્રાહકો માટે ૫ અત્‍યાધુનિક મીટરિગ વ્‍યવસ્‍થાઓ અને વીજ કંપનીઓની જવાબદારી નક્કી કરતી કડક સમયમર્યાદા લઈની જોગવાઈ કરવામાં આવી છે. આ નવા નિયમો અંતર્ગત જો ગ્રાહકની સોલાર ફાઈલની મંજૂરીમાં વીજ કંપનીઓ કારણ વગર વિલંબ કરશે, તો તેમણે ગ્રાહકોને રોજના રૂા. ૫૦૦ દંડ પેટે આપવા પડશે.

આ ડ્રાફટ દ્વારા કેન્‍દ્ર સરકારની ‘પીએમ સૂર્ય ઘર યોજના' ને સીધી ગતિ અપાશે અને ગ્રીડ સુરક્ષામાં પણ વધારો કરાશે એમ મનાય છે. આ ડ્રાફટની જોગવાઈ મુજબ ગ્રાહકોને ૫ અલગ-અલગ મીટરિગના ઓપ્‍શન આપવામાં આવ્‍યાં છે. આ નવા નિયમોની સૌથી મોટી ખાસિયત એ છે કે, હવે ગ્રાહકો, પોતાની જરૂરિયાત અને વીજ વપરાશના આધારે ડ્રાફટમાં જણાવ્‍યા મુજબની વિવિધ વિકલ્‍પ પસંદ કરી શકશે.

જે મુજબ (૧) નેટ મીટરિગ એટલે કે તમે ઉત્‍પન્ન કરેલી અને વાપરેલી વીજળીના યુનિટ (kWh)ની સીધી બાદબાકી થશે (૨) નેટ બિલિગ અર્થાત આયાત અને નિકાસ થતી વીજળીના અલગ-અલગ ભાવ નક્કી થશે અને તે મુજબ રૂપિયામાં બિલ બનશે. (૩) ગ્રુપ નેટ મીટરિંગ એટલે કે જો તમારી એકથી વધુ પ્રોપર્ટી હોય, તો એક જગ્‍યાની વધારાની સોલાર વીજળી અન્‍ય જગ્‍યાના વીજ બિલમાં સરભર કરી શકાશે (૪) વર્ચ્‍યુઅલ નેટ મીટરિગ અર્થાત સોલાર પ્‍લાન્‍ટ ગમે ત્‍યાં દૂર હોય, પણ તેનો આર્થિક લાભ સોસાયટીના અલગ-અલગ ફલેટ ધારકો વચ્‍ચે વહેંચી શકાય અને (૫) ગ્રોસ મીટરિગ એટલે કે ઉત્‍પન્ન થયેલી તમામ વીજળી સીધી જ ગ્રીડમાં વેચી દેવાની અને પોતાનો વપરાશ સામાન્‍ય ગ્રાહકની જેમ ચાલુ રાખવો.

આ ડ્રાફટ મુજબ ૧૦ kW સુધી કોઈ મંજૂરીની પળોજણ નહીં રહે, સીધી લીલી ઝંડી મળી જશે. સામાન્‍ય મધ્‍યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપતા જર્કે તેના ડ્રાફટમાં જણાવ્‍યું છે કે, જે ગ્રાહકો ૧૦ kW સુધીની નાની સોલાર સિસ્‍ટમ લગાવવા માંગે છે. તેમણે કોઈ લાંબી ટેકનિકલ ફીઝીબિલીટી પ્રોસેસમાંથી પસાર થવું નહીં પડે. માત્ર સીધી અરજી કરતાની સાથે જ તેમને ગ્રીડ કનેક્‍ટિવિટી માટે સીધી મંજૂરી મળી જશે.

એમાં જો વીજ કંપનીઓ સહેજ પણ મોડું કરશે, તો તે કંપનીએ ગ્રાહકને પ્રતિદિન રુ. ૫૦૦ લેખે દંડ ચૂકવવો પડશે. સામાન્‍ય રીતે એવી ફરિયાદ હતી કે, સોલાર પેનલ લાગી ગયા પછી પણ UGVCL, DGVCL, MGVCL, PGVCL અથવા Torrent Power જેવી વીજ કંપનીઓ નેટ મીટરિગ આપવામાં કે પ્રોસેસ પૂરી કરવામાં મહિનાઓ લગાડી દે છે. હવે આ નવા નિયમો અનુસાર, જો વીજ કંપની વગર કોઈ યોગ્‍ય કારણે નિયત સમય કરતાં મોડું કરશે, તો તેણે ગ્રાહકને રોજના રુ. ૫૦૦ લેખે વળતર ચૂકવવું પડશે.

જો કોઈ કોમર્શિયલ કે ઇન્‍ડસ્‍ટ્રિયલ ગ્રાહકનો મંજૂર વીજભાર-Contract Demand 100 kWથી વધુ હશે અને તેઓ તેનાથી પણ મોટી સોલાર સિસ્‍ટમ બેસાડવા માંગતા હશે, તો તેમણે ફરજિયાતપણે બેટરી એનર્જી સ્‍ટોરેજ સિસ્‍ટમ-Battery Energy Storage System-BESS લગાવવી પડશે. આ સ્‍ટોરેજ ક્ષમતા વધારાના લોડના ઓછામાં ઓછા ૫૦ ટકા હોવી જરૂરી છે. જેથી ગ્રીડ પર અચાનક લોડ ન વધે.

જો કોઈ ગ્રાહકે શરૂઆતમાં ‘નેટ બિલિગ'નો ઓપ્‍શન લીધો હોય અને પાછળથી તેને ‘નેટ મીટરિગ' વધુ ફાયદાકારક લાગે તો તે, પોતાની સિસ્‍ટમના ૨૫ વર્ષ દરમિયાન વધુમાં વધુ ત્રણ-૩ વખત મીટરિગ સિસ્‍ટમ બદલી શકશે. જોકે, એક નાણાકીય વર્ષમાં આ ફેરફાર માત્ર એક જ વાર કરી શકાશે.

કેન્‍દ્ર સરકારની મહત્‍વાકાંક્ષી ‘પીએમ સૂર્યા ઘર મુફત વીજલી યોજના-PM Surya Ghar Muft Bijli Yojana હેઠળ જે ગ્રાહકો સોલાર લગાવશે. તેમણે વીજ કંપનીઓ સાથે કોઈ લાંબા કાગળિયા કે અલગથી કનેકટીવીટી એગ્રીમેન્‍ટ-Connectivity Agreement કરવાની જરૂર નહીં રહે. માત્ર ઓનલાઈન પોર્ટલ મારફતે આખી પ્રક્રિયા અત્‍યંત સરળ અને ડિજિટલ મોડમાં પૂરી કરાશે.

 

(3:44 PM IST)