તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
રોહિત શેટ્ટીને ૨૦ કરોડની ખંડણી ન આપી તો જાનથી મારી નાખવાની ધમકી!
જુહુ સ્થિત આવાસ પર અગાઉ થયેલા અંધાધૂંધ ફાયરિંગ બાદ હવે મુંબઈ પોલીસ એલર્ટ

મુંબઈ : બોલિવૂડના એક્શન કિંગ અને પ્રખ્યાત ડાયરેક્ટર રોહિત શેટ્ટી ફરી એકવાર અંડરવર્લ્ડ અથવા સંગઠિત ગુનાખોરીના નિશાના પર આવ્યા છે. શનિવારની વહેલી સવારે એક અજાણ્યા નંબર પરથી આવેલા સનસનાટીભર્યા ફોન કોલે મુંબઈ પોલીસ પ્રશાસનને દોડતું કરી દીધું છે. ફોન કરનારે રોહિત શેટ્ટીને સીધી ધમકી આપતાં રૂ. ૨૦ કરોડની જંગી ખંડણીની માંગણી કરી છે અને જો આ રકમ ચૂકવવામાં નહીં આવે તો તેમને જાનથી મારી નાખવાની ચીમકી આપી છે. આ હાઈ-પ્રોફાઈલ મામલો સામે આવતા જ જુહુ પોલીસ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે અને કૉલના લોકેશનને ટ્રેસ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, રોહિત શેટ્ટી પર આ પ્રકારનો ખતરો પહેલીવાર નથી મંડરાયો. આ વર્ષની શરૂઆતમાં ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ જુહુ સ્થિત તેમની નવ માળની આલીશાન ઇમારત પર મોટરસાઇકલ સવારો દ્વારા પાંચ રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક ગોળી તેમના અંગત જીમના કાચને ચીરીને અંદર ઘૂસી ગઈ હતી. એ ભયાનક ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસે આંતરરાજ્ય કનેક્શન શોધી કાઢીને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાથી ૧૫ શાર્પશૂટર્સ અને સાગરીતોની ધરપકડ કરી હતી. આ જૂની કડીઓ હજુ પૂરી ઉકેલાઈ નથી ત્યાં જ આવેલી આ નવી ધમકી પાછળ કોઈ મોટી ગેંગનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ ભારે તણાવની વચ્ચે પણ રોહિત શેટ્ટી તેમના પ્રોફેશનલ કમબેક માટે લાઈમલાઈટમાં છે. તેઓ લાંબા સમય બાદ ટીવીના સૌથી લોકપ્રિય સ્ટન્ટ રિયાલિટી શો "ખતરોં કે ખિલાડી ૧૫" સાથે ધમાકેદાર વાપસી કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આ શોનું શૂટિંગ તાજેતરમાં જ પૂરું થયું છે અને આ હાઈ-વોલ્ટેજ સીઝન આગામી જુલાઈ મહિનામાં પ્રસારિત થવા જઈ રહી છે. વર્ષ ૨૦૨૪ની સીઝન બાદ ૨૦૨૫માં રોહિત શેટ્ટીની ગેરહાજરીથી નિરાશ થયેલા ચાહકો આ વખતે ગૌરવ ખન્ના, હર્ષ ગુજરાલ અને રૂબીના દિલૈક જેવા સેલેબ્સને રોહિતના માર્ગદર્શન હેઠળ મોતના કૂવામાં ઉતરતા જોવા ભારે ઉત્સાહિત છે, પરંતુ ડાયરેક્ટરની સુરક્ષાને લઈને હાલમાં ચિંતાનો માહોલ છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
