<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

રોબર્ટ કિયોસાકીનું મોટું નિવેદન : વડાપ્રધાન મોદીના 'દેશભક્તિ'ના આહ્વાનથી શેરબજારમાં ગભરાટ, એક જ દિવસમાં રોકાણકારોના 4 ટ્રિલિયન રૂપિયા સ્વાહા

બજાર વાસ્તવિકતા પર નહીં પણ ડર અને લાગણીઓ પર ચાલે છે : સોનું ખરીદવાની મનાઈ એ જ સાબિત કરે છે કે સોનું સૌથી સુરક્ષિત સંપત્તિ છે : અમેરિકન અર્થશાસ્ત્રીનું વિશ્લેષણ

ન્યૂયોર્ક:વિખ્યાત પુસ્તક 'રીચ ડેડ પુઅર ડેડ' ના લેખક અને જાણીતા અમેરિકન આર્થિક વિશ્લેષક રોબર્ટ કિયોસાકીએ ભારતના શેરબજારમાં થયેલા મોટા કડાકા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર મહત્વનું વિશ્લેષણ રજૂ કર્યું છે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે રાત્રે કરેલા સંબોધનમાં દેશવાસીઓને વૈશ્વિક કટોકટીના સમયમાં સાથ આપવા વિનંતી કરી હતી, જેને પગલે આજે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5% થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો અને ગણતરીના કલાકોમાં રોકાણકારોની 4 ટ્રિલિયન રૂપિયાની સંપત્તિ ધોવાઈ ગઈ હતી.

 

રોબર્ટ કિયોસાકીએ આ ઘટનાને 'બજારની ભાવનાત્મક પ્રતિક્રિયા' ગણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીનું ભાષણ કોઈ કટોકટીનું નહીં પણ દેશભક્તિનું ભાષણ હતું. મોદીએ નાગરિકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા, શક્ય હોય ત્યાં ઘરેથી કામ કરવા, એક વર્ષ માટે બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા, સોનાની ખરીદી ઘટાડવા, મેક-ઈન-ઈન્ડિયા ઉત્પાદનોને ટેકો આપવા અને ઈંધણનો વપરાશ ઘટાડવા વિનંતી કરી હતી. ભારત તેની જરૂરિયાતનું 85% ક્રૂડ ઓઈલ આયાત કરે છે અને હોર્મુઝની સામુદ્રધુની બંધ હોવાથી ઓઈલના ભાવ 120 ડોલર પર પહોંચ્યા છે, ત્યારે વિદેશી હૂંડિયામણ પરનું દબાણ ઘટાડવા માટે આ એક જવાબદાર અપીલ હતી.

 

બજાર હકીકતો પર નહીં પણ ડર પર પ્રતિક્રિયા આપે છે:

કિયોસાકીએ નોંધ્યું કે શેરબજારે વાસ્તવિકતાને બદલે ડર પર પ્રતિક્રિયા આપી છે. બજારે 'વિદેશી હૂંડિયામણનું દબાણ' અને 'સોનાની ખરીદી ઘટાડવી' જેવા શબ્દો સાંભળીને અર્થતંત્ર નિષ્ફળ જઈ રહ્યું હોવાનું માની લીધું અને ગભરાટમાં વેચાણ શરૂ કરી દીધું. તેમણે ઉમેર્યું કે શેરબજાર આર્થિક વાસ્તવિકતા માપવાનું સાધન નથી, પરંતુ તે માનવ લાગણીઓ માપવાનું સાધન છે. અર્થતંત્રમાં રાતોરાત 4 ટ્રિલિયનનો ફેરફાર થયો નથી, પરંતુ માત્ર એક ભાષણ પર લોકોએ પ્રતિક્રિયા આપી છે.

 

સોનાની વધતી જતી કિંમત અને મહત્વ:

જ્યારે સરકાર નાગરિકોને સોનું ન ખરીદવા કહે, ત્યારે સમજવું જોઈએ કે સોનાનું મહત્વ કેટલું વધારે છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સોનાનો ગ્રાહક છે અને દર વર્ષે 700 થી 800 ટન સોનું ખરીદે છે. જ્યારે ઔંસ દીઠ સોનાનો ભાવ 3,300 ડોલર હોય ત્યારે તે વિદેશી હૂંડિયામણનો મોટો હિસ્સો રોકે છે. કિયોસાકીના મતે, સરકારની સોનું ન ખરીદવાની વિનંતી એ સોનાની વિરુદ્ધ નહીં પણ તેની તરફેણમાં સૌથી મોટી દલીલ છે. જ્યારે અનિશ્ચિતતા હોય ત્યારે લોકો શેર કે બોન્ડ નહીં પણ સોના તરફ જ વળે છે. ઈતિહાસ ગવાહ છે કે જ્યારે પણ ચલણની કટોકટી કે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે સોનું જ સૌથી વિશ્વસનીય સંપત્તિ સાબિત થયું છે.

(10:20 PM IST)