તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
રાજસ્થાનના રણમાં ભારત-જાપાનના ફાઇટર જેટ્સનો ગર્જનાત્મક શો: 'વીર ગાર્ડિયન-2026'માં ઇતિહાસ રચાયો
જાપાની વાયુસેના પ્રમુખે ભારત નિર્મિત સ્વદેશી તેજસમાં ઉડાન ભરીને બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોને એક નવી વ્યૂહાત્મક ઊંચાઈ આપી

જોધપુર : ભારત અને જાપાન વચ્ચેના રાજદ્વારી અને સંરક્ષણ સંબંધોમાં એક નવું સવર્ણિમ પ્રકરણ ઉમેરાયું છે. રાજસ્થાનની રેતાળ ધરા પર જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે ૧૪ દિવસ સુધી ચાલનારી દ્વિપક્ષીય હવાઈ કવાયત "વીર ગાર્ડિયન-2026" (૯ થી ૨૨ સપ્ટેમ્બર) દરમિયાન પ્રથમ વખત જાપાની ફાઇટર જેટે ભારતીય આકાશમાં પોતાની ક્ષમતા દર્શાવી છે. ભારતીય વાયુસેનાના ફ્રન્ટલાઈન એરક્રાફ્ટ રાફેલ, સુખોઈ-30MKI અને સ્વદેશી 'તેજસ' ની સાથે જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JASDF) ના અત્યાધુનિક F-2A ફાઇટર જેટે સાથે મળીને અદ્યતન ઓપરેશનલ મિશન અને તાલીમ સેશન્સ હાથ ધર્યા હતા. આ ઐતિહાસિક ક્ષણે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેની મજબૂત લશ્કરી ભાગીદારી અને પરસ્પર વિશ્વાસનો મજબૂત સંદેશ પૂરો પાડ્યો છે.
આ સંયુક્ત કવાયત દરમિયાન વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહ અને જાપાની વાયુસેનાના ચીફ ઓફ સ્ટાફ જનરલ તાકેહિરો મોરિટાની સક્રિય સહભાગિતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. જનરલ મોરિટાએ ભારતના સ્વદેશી તેજસ ફાઇટર જેટમાં પાઇલટ સાથે સફળ ઉડાન ભરી હતી, જ્યારે એર ચીફ માર્શલ એ.પી. સિંહે પણ એકલા તેજસ ઉડાવીને ભારતની તકનીકી સમૃદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. ઉડાન બાદ બંને વાયુસેનાના વડાઓએ પરસ્પર આદરના પ્રતીક રૂપે બેજની આપ-લે કરી હતી. જાપાની એર ચીફે ભારતની 'મેક ઇન ઇન્ડિયા' પહેલ અને તેજસ એરક્રાફ્ટની ટેકનોલોજીના મુક્તકંઠે વખાણ કરતા જણાવ્યું હતું કે આ કવાયતે દર્શાવ્યું છે કે બંને દળો માત્ર તાલીમ પૂરતા મર્યાદિત નથી પરંતુ સમગ્ર ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં હવાઈ સંસાધનો તૈનાત કરવાની ક્ષમતા ધરાવે છે.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા એર ચીફ માર્શલ એ.પી. સિંહે જણાવ્યું હતું કે ભારતીય ભૂમિ પરથી જાપાની જેટ્સની આ પ્રથમ ઉડાન બંને દેશોના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ કવાયતથી મિશન પ્લાનિંગ, એન્જિનિયરિંગ અને એરોસ્પેસ સુરક્ષા જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં બંને વાયુસેનાને એકબીજાની કાર્યપ્રણાલી સમજવાની અનન્ય તક મળી છે. આ ઉપરાંત, તેમણે તેજસ MK-2 અને એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) ના આગામી વિકાસ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતા આશા વ્યક્ત કરી હતી કે ભારતીય સંરક્ષણ ઉડ્ડયન ઉદ્યોગ ટૂંક સમયમાં નવી ઊંચાઈઓ સર કરશે. આ કવાયતથી ચીન અને અન્ય વૈશ્વિક શક્તિઓને પણ મુક્ત અને સ્થિર ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનો સ્પષ્ટ સંકેત મળ્યો છે.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
