તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Friday, 10th July 2026
બાંગ્લાદેશમાં ગર્જી ભારતીય સિંહણ: સેમિનારમાં કાશ્મીર વિનાનો ખોટો નકશો બતાવતા જ IFS અધિકારી પૂજા ઝાએ બાંગ્લાદેશી રાજદ્વારીને સ્ટેજ પર જ ખખડાવ્યો, સન્નાટો વ્યાપી ગયો!
"કાશ્મીર ભારતનો અવિભાજ્ય ભાગ છે, સુધારી લો તમારી ભૂલ"; ઢાકામાં આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની યુવા મહિલા રાજદ્વારીનું રૌદ્ર સ્વરૂપ જોઈ વરિષ્ઠ બાંગ્લાદેશી રાજદૂત અવાચક, વીડિયો વાયરલ

ઢાકા : બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભારતની એક જાંબાઝ મહિલા વિદેશ સેવા (IFS) અધિકારીએ પોતાની બહાદુરી અને હાજરજવાબીથી સમગ્ર દેશનું દિલ જીતી લીધું છે. ભારતીય હાઈ કમિશનના સેકન્ડ સેક્રેટરી પૂજા કુમારી ઝાએ બાંગ્લાદેશની ધરતી પર સ્ટેજ પર જ ભારતનો ખોટો નકશો દર્શાવવા બદલ બાંગ્લાદેશના પૂર્વ વરિષ્ઠ રાજદ્વારીને જાહેરમાં એવો આકરો ઠપકો આપ્યો કે તેઓ સાવ અવાચક થઈ ગયા હતા. અત્યંત શાંત પરંતુ મક્કમ અવાજમાં પૂજા ઝાએ કરેલી આ જવાબી કાર્યવાહીનો વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો આ યુવા મહિલા અધિકારીની દેશભક્તિને સલામ કરી રહ્યા છે.
શું હતો સમગ્ર હંગામો અને વિવાદ?
મળતી માહિતી મુજબ, બાંગ્લાદેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (BIISS) દ્વારા ઢાકામાં એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં બાંગ્લાદેશના પૂર્વ રાજદૂત અને મુખ્ય વક્તા તારિક એ. કરીમ સ્ટેજ પર પોતાનું પ્રેઝન્ટેશન આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે સ્ક્રીન પર એક નકશો પ્રદર્શિત કર્યો, જેમાં ભારતનો તાજ ગણાતા જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. મંચ સામે પ્રશ્રોત્તરી અને ચર્ચા માટે હાજર ભારતીય અધિકારી પૂજા કુમારી ઝાની નજર જેવી આ વિવાદાસ્પદ નકશા પર પડી, તેમનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
સ્ટેજ પર જ ભાષણ રોકાવીને બાંગ્લાદેશી રાજદ્વારીને ચૂપ કર્યા
પૂજા ઝાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તારિક એ. કરીમના ભાષણમાં વિક્ષેપ પાડ્યો અને સ્ટેજ પર જ જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ખૂબ જ ગંભીર અને મક્કમ લહેજામાં બાંગ્લાદેશી રાજદૂતને ટોકતા કહ્યું કે, "આ ભારતનો ખોટો નકશો છે. જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. તેથી અહીં દર્શાવવામાં આવેલો નકશો તદ્દન ખોટો છે અને તમે તમારી આ ગેરસમજ તાત્કાલિક સુધારી લો." ભારતીય મહિલા અધિકારીનું આ આક્રમક અને રાષ્ટ્રવાદી વલણ જોઈને આખો હોલ સ્તબ્ધ થઈ ગયો હતો.
પૂર્વ રાજદૂતે બહાના બનાવ્યા પણ ભારતે ન ઝુકાવ્યું માથું
પૂજા ઝાના તીખા વિરોધ બાદ પોતાની ભારે ફજેતી થતી જોઈને પૂર્વ રાજદૂત તારિક એ. કરીમે બચાવ મુદ્રામાં આવવું પડ્યું હતું. તેમણે લૂલો બચાવ કરતા એવી સ્પષ્ટતા કરી કે આ નકશો માત્ર પ્રેઝન્ટેશનના હેતુ માટે લેવાયો હતો અને તેનો ઉદ્દેશ્ય વાસ્તવિક આંતરરાષ્ટ્રીય સરહદો દર્શાવવાનો નહોતો. જો કે, પૂજા કુમારી ઝાએ ભારતનું સાર્વભૌમત્વ જાળવી રાખતા આ બહાનાબાજીને સ્વીકારવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો અને ભારતનું સત્તાવાર વલણ દુનિયા સામે સ્પષ્ટ કર્યું હતું.
કોણ છે દેશનું ગૌરવ વધારનાર પૂજા કુમારી ઝા?
આ ઘટના બાદ દરેક ભારતીય એ જાણવા આતુર છે કે આ બહાદુર મહિલા કોણ છે. તમને જણાવી દઈએ કે પૂજા કુમારી ઝા વર્ષ ૨૦૨૨ બેચના હોનહાર ભારતીય વિદેશ સેવા (IFS) ના અધિકારી છે. તેઓ હાલમાં બાંગ્લાદેશના ઢાકામાં આવેલા ભારતીય હાઈ કમિશનમાં સેકન્ડ સેક્રેટરી (રાજકીય અને માહિતી) તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજકીય અને સંવેદનશીલ મુદ્દાઓ સંભાળવાની જવાબદારી તેમની પાસે છે અને આજે તેમણે વિદેશી ધરતી પર ભારત વિરોધી પ્રચારના લીરેલીરા ઉડાવીને સાબિત કરી દીધું કે દેશના સન્માન સાથે કોઈ બાંધછોડ થઈ શકે નહીં.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
