News of Wednesday, 28th October 2026
દિવાળીની રજાઓમાં સસ્તી ટિકિટ અને આકર્ષક ટૂર પેકેજના નામે છેતરપિંડીનો ખતરોઃ બુકિંગ પહેલાં એજન્ટથી લઇને હોટેલ સુધીની તમામ બાબતોની ચકાસણી કરો
ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરે સાવધાની રાખવા સલાહ આપી : રાતભરની થકવી નાખનારી મુસાફરી અને છુપા ચાર્જથી રજાઓ બગડી શકે : તહેવારો દરમિયાન છેતરપિંડી કરતા ઓપરેટરો નવાં નામે બજારમાં આવી શકે છે

નવી દિલ્હી તા.૨૮: દિવાળીની રજાઓમાં ફરવા જવાની ઉતાવળમાં સસ્તી ટિકિટ, કન્ફર્મ રેલવે બુકિગ અને ફાઇવસ્ટાર હોટેલમાં રોકાણની લોભામણી ઓફર પર ભરોસો કરવો ભારે પડી શકે છે. છેલ્લી ઘડીએ પ્રવાસનું આયોજન કરતા લોકોને ટ્રાવેલ એજન્ટો અને ઓનલાઇન ઓપરેટરો દ્વારા ગેરમાર્ગે દોરાવાનું જોખમ વધી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TAFI)ના ગુજરાત ચેપ્ટરે પ્રવાસીઓને બુકિગ માટે નાણાં ચૂકવતાં પહેલાં એજન્ટ, ટિકિટ, હોટેલ રિઝર્વેશન અને ટૂર પેકેજની તમામ વિગતોની સ્વતંત્ર રીતે ખરાઈ કરવાની સલાહ આપી છે.
ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TAFI)ના ગુજરાત ચેપ્ટરના દિલીપ મસરાણીએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન કેટલાક લોકો છેલ્લી ઘડીએ આવી રીતે ધંધો શરૂ કરીને પ્રવાસીઓને છેતરવાનો પ્રયાસ કરે છે. કોઈપણ ટ્રાવેલ એજન્ટ કે કંપની મારફતે બુકિગ કરાવતાં પહેલાં પ્રવાસીઓએ હકીકતોની ખરાઈ કરવી જોઈએ, જેથી તેમની રજાઓ દુઃસ્વપ્નમાં ન ફેરવાઈ જાય. તેમણે ચેતવણી આપી હતી કે તહેવારોની મોસમમાં છેતરપિંડી કરતા ઓપરેટરો ઘણી વખત નવાં નામ સાથે બજારમાં પ્રવેશે છે.
ઘણાં પરિવારો મહિનાઓ પહેલાં જ ટૂર પેકેજ અને પોતાની જરૂરિયાત મુજબની રજાઓનું આયોજન કરી ચૂક્યા છે. જોકે, છેલ્લી ઘડીએ આયોજન કરનારાઓને મુંબઈ જેવા કનેક્ટિંગ હબ સુધીની કન્ફર્મ ટિકિટ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દેશમાં અને વિદેશમાં જતી ફલાઇટનાં ભાડાં સામાન્ય કરતાં ૨થી ૩ ગણા વધી ગયાં છે. તેના કારણે છેલ્લી ઘડીએ પ્રવાસ કરવો મોંઘો બન્યો છે અને લોકો સસ્તા વિકલ્પો તરફ વળી રહ્યા છે. આવી સ્થિતિમાં આકર્ષક ઓફરના નામે છેતરપિડી થવાની શક્યતા પણ વધી શકે છે.
TAFI અને આઇટીએ (ITA) જેવી માન્ય ઉદ્યોગ સંસ્થાઓ સાથે ટ્રાવેલ એજન્સી જોડાયેલી છે કે નહીં તે તપાસવું જોઈએ. એજન્સીનું સરનામું, સંપર્કની વિગતો, બજારમાં તેની પ્રતિષ્ઠા અને અગાઉના ગ્રાહકોના અનુભવોની પણ ખરાઈ કરવી જરૂરી છે. જોકે, કોઈ સંસ્થાનું સભ્યપદ હોવું જ વિશ્વસનીયતાની ખાતરી નથી. પ્રવાસીઓએ પોતાની રીતે પણ તપાસ કરવી જોઈએ. લોકોએ આવી આકર્ષક ઓફરોથી સાવચેત રહેવું જોઈએ, કારણ કે આવી ઓફર જોખમની ચેતવણી સમાન છે.''
વિદેશ પ્રવાસે જતા લોકોએ એરલાઇનનો સીધો સંપર્ક કરીને પોતાની ફલાઇટ બુકિંગની ખરાઈ કરવી જોઈએ. તેમાં પ્રવાસની તારીખ, ફલાઇટના પ્રસ્થાનનો સમય અને કનેક્ટિંગ ફલાઇટ વચ્ચેનો વેઇટિગ ટાઇમ તપાસવો જોઈએ. હોટેલની વ્યવસ્થાની પણ ખાતરી કરવી જરૂરી છે.
દેશમાં પ્રવાસ કરનારાઓએ પ્રવાસનો કાર્યક્રમ, તારીખો, રહેવાની વ્યવસ્થા અને ટિકિટ કન્ફર્મ છે કે નહીં તે તપાસવું જોઈએ. સસ્તાં પેકેજમાં આખી રાતની થકવી નાખનારી મુસાફરી સામેલ હોઈ શકે છે. નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિભોજન પેકેજમાં સામેલ છે કે નહીં, કયા સ્થળોની મુલાકાત અને પ્રવેશ ફીનો ખર્ચ આવરી લેવાયો છે તથા કોઈ વધારાનો ચાર્જ લાગશે કે નહીં તે સ્પષ્ટ કરી લેવી જોઈએ. એજન્ટ દ્વારા આપવામાં આવતી તમામ ખાતરી લેખિતમાં લેવી પણ એટલી જ જરૂરી છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
