<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ક્રૂડ ઓઇલના ભડકે બળતા ભાવથી હાહાકાર: ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ફરીથી ઈમરજન્સી તેલ ભંડાર મુક્ત કરવાની તૈયારીમાં!

ક્રૂડ તેલ સેંકડે પહોંચતાં વૈશ્વિક બજારમાં હોબાળો: જો તેલના ભાવ $95 થી ઉપર રહેશે તો જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકા પોતાના વ્યૂહાત્મક ભંડારમાંથી વધુ તેલ બજારમાં ઠાલવશે

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે વધતા ભૂરાજકીય તણાવ અને પુરવઠા અંગેની ઘેરી ચિંતાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $100 ને પાર પહોંચી ગયો છે. તેલના આ આસમાને પહોંચેલા ભાવને નિયંત્રણમાં લાવવા માટે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ફરી એકવાર પોતાના ઈમરજન્સી વ્યૂહાત્મક તેલ ભંડાર (Strategic Petroleum Reserve) ના દરવાજા ખોલવાની મોટી જાહેરાત કરી શકે છે.

સ્પાર્ટા કોમોડિટીઝના સિનિયર ઓઇલ માર્કેટ વિશ્લેષક જૂન ગોહના જણાવ્યા મુજબ, જો ક્રૂડ ઓઇલના ભાવ લાંબા સમય સુધી પ્રતિ બેરલ $95 થી ઉપર સ્થિર રહેશે, તો IEA તેના સભ્ય દેશો દ્વારા વ્યૂહાત્મક તેલ ભંડારનો બીજો મોટો હપ્તો બજારમાં છોડવા માટે મજબૂર બનશે. આ અગાઉ IEA એ 11 માર્ચ, 2026 ના રોજ 400 મિલિયન (40 કરોડ) બેરલ તેલ મુક્ત કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમાંથી વાસ્તવમાં માત્ર 200 મિલિયન બેરલ ક્રૂડ જ બજારમાં આવ્યું છે.

બાકી રહેલા જથ્થાની ફાળવણી પૂર્ણ થવાની સાથે જ હવે વધારાના ભંડારમાંથી તેલ છોડવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વૈશ્વિક ઈમરજન્સી રિલીઝ માટે જાપાન અને દક્ષિણ કોરિયા પાસે નોંધપાત્ર પ્રમાણમાં કટોકટી ભંડાર ઉપલબ્ધ છે, જે બજારમાં પુરવઠો વધારવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. અમેરિકા પાસે પણ અનામત ભંડાર છે, જોકે તેના SPR લેવલને લઈને કેટલીક આંતરિક ચિંતાઓ સેવાયેલી છે.

હાલ સમગ્ર વિશ્વ આશરે 1 અબજ બેરલના મોટા ઇન્વેન્ટરી નુકસાનની ભરપાઈ કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. જો IEA દ્વારા બીજા તબક્કામાં વ્યૂહાત્મક અનામતમાંથી તેલ મુક્ત કરવામાં આવશે, તો ભારતીય બજાર સહિત વૈશ્વિક સ્તરે મોંઘવારીનો સામનો કરી રહેલા દેશોને ઇંધણના ભાવમાં મોટી રાહત મળી શકે છે.

(9:30 PM IST)