તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
મુંબઈમાં CEC સામે CJPની કૂચ દરમિયાન હંગામો: ભાજપના કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં ઘૂસી ગયાનો સૌરવ દાસનો આરોપ
ખોટા કથનો ફેલાવવાના પ્રયાસો સફળ નહીં થાય : પ્રેસ કોન્ફરન્સમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે: સીએમ ફડણવીસનો વળતો પ્રહાર

મુંબઈ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. દિલ્હીના જંતર-મંતર પર વિપક્ષ દ્વારા સીઈસીના રાજીનામાની માંગ સાથે ધરણા યોજવામાં આવી રહ્યા છે, ત્યારે મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક ખાતે કોકરોચ જનતા પાર્ટી દ્વારા ત્રિરંગા અને વિરોધ દર્શાવતા પોસ્ટરો સાથે વિરોધ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સીજેપીના સહ-સંયોજક સૌરવ દાસે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે ભાજપના કેટલાક કાર્યકરો આ પ્રદર્શનમાં ઘૂસણખોરી કરી વિરોધને નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સીજેપીના સહ-સંયોજક સૌરવ દાસે આરોપ મૂકતા જણાવ્યું હતું કે, "ભાજપે આ પ્રદર્શનમાં પોતાના કાર્યકરો મોકલ્યા છે, જેના ફોટોગ્રાફ્સ પણ અમારી પાસે ઉપલબ્ધ છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ભૂતપૂર્વ ઓએસડી પણ શિવાજી પાર્ક ખાતે કેટલાક સ્થાનિકો સાથે જોવા મળ્યા હતા. દેશનો કોઈ પણ સામાન્ય નાગરિક પોતાના મતાધિકારના રક્ષણ માટે થઈ રહેલા આ આંદોલનનો વિરોધ ન કરી શકે." સીજેપી દ્વારા સીઈસીની નિમણૂકમાં પારદર્શિતા અને ૨૦૨૫ની મતદાર યાદીને ફ્રીઝ કરી ભવિષ્યમાં છેડછાડ અટકાવવાની માંગ કરવામાં આવી છે. આ વિરોધ સ્થળે પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એ આ વિરોધ પ્રદર્શનને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે, જેને પગલે દાદર રેલ્વે સ્ટેશન અને શિવાજી પાર્ક વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.
બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સીજેપીના આરોપો અને વિરોધ પ્રદર્શન પર તીખી પ્રતિક્રિયા આપતા પલટવાર કર્યો હતો. સીએમ ફડણવીસે જણાવ્યું હતું કે, "આખો મામલો હવે દેશવાસીઓ સમક્ષ સ્પષ્ટ થઈ ગયો છે. ત્રણેય ચૂંટણી કમિશનરો દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ વિપક્ષ દ્વારા ઊભો કરવામાં આવેલો ખોટો કથન સંપૂર્ણપણે ખુલ્લો પડી ગયો છે. છતાં પણ આ પ્રકારના ખોટા દાવાઓને આગળ ધપાવવાના નિષ્ફળ પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં તેઓ ક્યારેય સફળ થશે નહીં."
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
