<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

દક્ષિણ અમેરિકાના કોલંબિયામાં ખળભળાટ : કાર્ટાહેનાના વિશાળ સુપરમાર્કેટમાં સશસ્ત્ર શખ્સોએ અનેક ગ્રાહકો અને કર્મચારીઓને બનાવ્યા બંધક : પોલીસ અને સૈન્ય દળો દ્વારા વ્યાપક સુરક્ષા કાર્યવાહી: બંધકોને મુક્ત કરવા માટે ૭ અબજ કોલંબિયન પેસોની જંગી ખંડણી માગવામાં આવી

લૂંટના પ્રયાસે સર્જી ગંભીર કટોકટી : રોકડ રકમની હેરફેર કરતા વાહનને લૂંટવાનો પ્રયાસ: ૪ મહિલાઓને મુક્ત કરાયાના અહેવાલ : રાફેલ નુનેઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ ૪૫ મિનિટ માટે વિમાનોનું ઉતરાણ અટકાવાયું

કાર્ટાહેના (કોલંબિયા)  : દક્ષિણ અમેરિકાના કોલંબિયાના વિશ્વવિખ્યાત પર્યટન શહેર કાર્ટાહેનામાં આજે સશસ્ત્ર શખ્સોએ એક વિશાળ સુપરમાર્કેટમાં અનેક લોકોને બંધક બનાવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ અને સૈન્ય દળોએ સંયુક્ત સુરક્ષા કાર્યવાહી હાથ ધરી છે. 

કાર્ટાહેનાના લા કાસ્ટેલાના વિસ્તારમાં આવેલા જાણીતા ‘એક્ઝિટો’ સુપરમાર્કેટમાં આ ઘટના બની છે. પ્રાથમિક તપાસ અનુસાર રોકડ રકમની હેરફેર કરતા વાહનને લૂંટવાનો પ્રયાસ આ સમગ્ર ઘટનાનું કારણ હોવાનું મનાય છે.

સોશિયલ મીડિયા પર વહેતા થયેલા વીડિયોમાં કેટલાક બંધકો હાથ બાંધેલી સ્થિતિમાં જોવા મળ્યા છે. સમગ્ર વિસ્તારને પોલીસે ઘેરી લીધો છે. નૌકાદળને પણ સુરક્ષા કાર્યવાહીમાં સામેલ કરવામાં આવ્યું છે. પોલીસે તમામ નાગરિકોના જીવ બચાવવા સર્વોચ્ચ પ્રાથમિકતા અપાઈ હોવાનું સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે. 

કેટલાક સ્થાનિક અહેવાલોમાં બંધકોને મુક્ત કરવા માટે ૭ અબજ કોલંબિયન પેસોની ખંડણી માગવામાં આવી હોવાનો દાવો કરાયો છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ ગંભીર ઘટનાને પગલે રાફેલ નુનેઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાનોનું ઉતરાણ થોડા સમય માટે અટકાવવામાં આવ્યું હતું. લગભગ ૪૫ મિનિટ બાદ વિમાનોનું ઉતરાણ ફરી શરૂ કરવામાં આવ્યું છે. 

ભારતીય સમય મુજબ રાત્રિના ૧૧ વાગ્યા સુધીમાં કુલ કેટલા લોકોને બંધક બનાવાયા છે, કેટલા ગુનેગારો સામેલ છે તથા તમામ બંધકોને મુક્ત કરાયા છે કે કેમ તેની સત્તાવાર પુષ્ટિ મળી નથી.

(11:08 PM IST)