તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
યુરોપના ખેડૂતોના હક પર UAE ના અમીર શેખનો પંજો? આરબ શાહી પરિવારને મળી રહી છે ₹૬૫૦ કરોડથી વધુની ખેતી સબસિડી, પાન-યુરોપિયન તપાસમાં મોટો ખુલાસો
દુનિયાના બીજા સૌથી અમીર પરિવાર પાસે યુરોપના હજારો હેક્ટર ખેતરો: પેરિસ કરતા ૫ ગણી મોટી જમીન પર કબજો અને સરકારી સહાયનો વિવાદ, તેલના કુવાઓના માલિકો હવે અનાજના ભંડારો પર કરી રહ્યા છે રાજ

બ્રસેલ્સ,: યુરોપિયન યુનિયન (EU) દ્વારા સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોને આપવામાં આવતી કૃષિ સબસિડીનો મોટો હિસ્સો દુનિયાના સૌથી શક્તિશાળી અને અમીર પરિવારો પૈકીના એક એવા UAE ના અલ નાહયાન (Al Nahyan) પરિવારના ખિસ્સામાં જઈ રહ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. એક આંતરરાષ્ટ્રીય તપાસમાં જાણવા મળ્યું છે કે, UAE ના શાસક પરિવારે છેલ્લા છ વર્ષમાં રોમાનિયા, ઇટાલી અને સ્પેનમાં ફેલાયેલી તેમની ખેતીલાયક જમીનો માટે ૭૧ મિલિયન યુરો (અંદાજે ૬૫૪ કરોડ રૂપિયા) થી વધુની સબસિડી મેળવી છે.
આ તપાસ 'ડીસ્મોગ' (DeSmog) દ્વારા કરવામાં આવી છે, જે મુજબ અલ નાહયાન પરિવારની માલિકીની કંપનીઓ અને તેમના સોવરિન વેલ્થ ફંડ 'ADQ' દ્વારા યુરોપમાં ખેતીનું વિશાળ નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. આ પરિવારની કુલ સંપત્તિ ૩૨૦ અબજ ડોલરથી વધુ હોવાનો અંદાજ છે, છતાં તેઓ યુરોપના ટેક્સપેયર્સના નાણાંમાંથી સબસિડી મેળવી રહ્યા છે. ખાસ કરીને રોમાનિયાની 'એગ્રીકોસ્ટ' (Agricost) નામની કંપની, જે ૫૭,૦૦૦ હેક્ટરમાં ફેલાયેલું યુરોપનું સૌથી મોટું ફાર્મ ધરાવે છે, તે આરબ શેખ હસ્તક છે.
ખાદ્ય સુરક્ષાના નામે 'લેન્ડ ગ્રેબિંગ'?
UAE માં પાણીની અછત અને રેતાળ જમીનને કારણે ખેતી મુશ્કેલ છે, તેથી આ દેશે 'ફૂડ સિક્યોરિટી સ્ટ્રેટેજી' હેઠળ વિશ્વભરમાં અંદાજે ૯,૬૦,૦૦૦ હેક્ટર જમીન ખરીદી છે. યુરોપમાં પણ તેઓ આ જ રીતે વિસ્તરણ કરી રહ્યા છે. આ ખેતરોમાં ઉગાડવામાં આવતો પાક મોટાભાગે ગલ્ફ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. પર્યાવરણવાદીઓ અને રાજકીય નેતાઓ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે જે દેશ પાસે અઢળક સંપત્તિ છે, તેને યુરોપિયન ખેડૂતોના વિકાસ માટે ફાળવવામાં આવેલ બજેટમાંથી સહાય કેમ મળી રહી છે?
નીતિમાં ફેરફારની માંગ
આ ખુલાસા બાદ યુરોપિયન કમિશનમાં સબસિડીના નિયમોમાં ફેરફાર કરવાની માંગ તેજ થઈ છે. જુલાઈ ૨૦૨૫ માં રજૂ કરાયેલા પ્રસ્તાવ મુજબ, ૨૦૨૮ થી ૨૦૩૪ ના ગાળામાં મોટા ખેતરો માટેની સબસિડી મર્યાદિત (કેપિંગ) કરવામાં આવી શકે છે. ઓસ્ટ્રિયન ગ્રીન પાર્ટીના સભ્ય થોમસ વેઇટ્ઝે આ ઘટનાને 'સરેઆમ કૌભાંડ' ગણાવતા કહ્યું કે, "આ નાણાં યુરોપના સાચા ખેડૂતો માટે હતા, નહીં કે તેલના કુવાઓના માલિકી ધરાવતા શાહી પરિવારો માટે."
હાલમાં પરિસ્થિતિ એવી છે કે યુરોપના ૧૬ ટકા કૃષિ બજેટ પર માત્ર ગણ્યાગાંઠ્યા મોટા જમીનદારોનો કબજો છે. UAE ના શાહી પરિવાર દ્વારા મેળવવામાં આવતી આ રકમ તો માત્ર એક ઝલક છે, કારણ કે અપારદર્શક ડેટાને કારણે ઘણી ખરી વિગતો હજુ પણ છુપાયેલી હોવાની આશંકા છે. અત્યારે સમગ્ર યુરોપમાં આ આર્થિક 'માસ્ટરસ્ટ્રોક' સામે વિરોધનો સૂર ઉઠ્યો છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
