News of Sunday, 26th April 2026
ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની કાયદાકીય જીત: બેંક ખાતા અનફ્રીઝ કરવા કોર્ટનો ઐતિહાસિક આદેશ, NCBની પ્રક્રિયાગત ક્ષતિઓ બની આશીર્વાદ
સુશાંત સિંહ રાજપૂત કેસના ચાર વર્ષ બાદ રિયા અને શૌવિકના અટકેલા નાણાકીય વ્યવહારો ફરી શરૂ થશે, ખાસ NDPS કોર્ટે તપાસ એજન્સીની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો અને કાયદાકીય મંજૂરીના અભાવે ફ્રીઝિંગને ગણાવ્યું ગેરકાયદેસર

મુંબઈ : બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ સતત વિવાદો અને કાયદાકીય ગૂંચવણોમાં ફસાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી માટે રાહતના સમાચાર આવ્યા છે. ખાસ NDPS કોર્ટે શનિવારે રિયા અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીના વર્ષ 2020થી ફ્રીઝ કરવામાં આવેલા બેંક ખાતાઓને તાત્કાલિક અનફ્રીઝ કરવાનો મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ખાતાઓ સીલ કરતી વખતે જરૂરી કાનૂની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું નહોતું, જેને કારણે આ કાર્યવાહી કાયદાની નજરમાં ટકી શકે તેમ નથી.
કોર્ટનો આ નિર્ણય મુખ્યત્વે NDPS એક્ટની કલમ 68F હેઠળની પ્રક્રિયાગત ખામીઓ પર આધારિત રહ્યો હતો. નિયમ મુજબ, કોઈપણ મિલકત કે ખાતું ફ્રીઝ કર્યાના 30 દિવસમાં સક્ષમ અધિકારી દ્વારા તેની પુષ્ટિ થવી અનિવાર્ય છે, જે આ કિસ્સામાં થઈ નહોતી. રિયાના વકીલોએ દલીલ કરી હતી કે યોગ્ય મંજૂરી વગર લાંબા સમય સુધી ખાતાઓ ફ્રીઝ રાખવા તે નાગરિકના અધિકારોનું હનન છે. ફરિયાદ પક્ષે રિયાના જૂના નિવેદનો ટાંકીને આ અરજીનો વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદાકીય પ્રક્રિયામાં થયેલી ચૂકને અવગણી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2020માં ડ્રગ્સ કનેક્શનના આરોપમાં રિયાની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે 28 દિવસ જેલમાં વિતાવ્યા હતા. ત્યારથી તેના તમામ નાણાકીય વ્યવહારો અટકી પડ્યા હતા, જેના કારણે તેને દૈનિક જીવન અને કાયદાકીય લડાઈ લડવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે કોર્ટના આ આદેશ બાદ રિયા ફરીથી તેના બેંક વ્યવહારો કરી શકશે, જે તેની લાંબી કાયદાકીય લડાઈમાં એક મોટો વિજય માનવામાં આવે છે. આ ચુકાદાએ તપાસ એજન્સીઓની પ્રક્રિયાગત ગંભીરતા સામે પણ એક મોટો દાખલો બેસાડ્યો છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
