<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ભારતીય રેલવેમાં ક્રાંતિ: હવે ટ્રેનો લેટ થવાની સમસ્યા કાયમ માટે ભૂતકાળ બનશે; મોદી કેબિનેટે રૂ. ૧૦,૭૮૩ કરોડના ૪-લેન પ્રોજેક્ટ્સને આપી મંજૂરી!

દેશના ૭ અતિ વ્યસ્ત (હાઈ-ડેન્સિટી) કોરિડોર પર પૂરજોશમાં બનશે ક્વાડ્રુપલ ટ્રેક; વાર્ષિક ૫૬ લાખ વધારાના મુસાફરો મુસાફરી કરી શકશે અને ટ્રેનોની સ્પીડમાં થશે રોકેટ ગતિએ વધારો

નવી દિલ્હી : ભારતીય રેલવે સેવાને વધુ ઝડપી, આધુનિક અને સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં રેલવેના કાયાકલ્પ અને ક્ષમતા વધારવા માટે રૂ. ૧૦,૭૮૩ કરોડના નવા મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી ટ્રેન સમયસર દોડશે અને મુસાફરોને ટ્રેનો મોડી પડવાની કાયમી મુશ્કેલીમાંથી કાયમ માટે મુક્તિ મળશે.

 

૭ મુખ્ય કોરિડોર ૪-લેન (ક્વાડ્રુપલ ટ્રેક)માં ફેરવાશે:

 

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેશના ૧૧,૦૦૦ કિલોમીટરના હાઈ-ડેન્સિટી રેલ નેટવર્કમાં ૭ મુખ્ય કોરિડોર એવા છે જ્યાં દેશનો આશરે ૪૦% ટ્રેન ટ્રાફિક નિર્ભર કરે છે. આ ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે દિલ્હી-મુંબઈ, મુંબઈ-ચેન્નઈ, ચેન્નઈ-કોલકાતા, કોલકાતા-દિલ્હી, દિલ્હી-ચેન્નઈ, મુંબઈ-કોલકાતા અને દિલ્હી-ગુવાહાટી જેવા પ્રમુખ રૂટને ૪-લેનમાં ફેરવવાની કામગીરી તેજ કરાઈ છે. આ નેટવર્કમાંથી ૨,૦૦૦ કિમીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે જ્યારે બાકીના ભાગમાં કામ ઝડપથી ચાલી રહ્યું છે.

 

રૂ. ૧૦,૭૮૩ કરોડના ૩ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ:

 

રેલવે ક્ષમતા મજબૂત કરવા વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે ૩ નવા મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા છે. કુલ ૬૫૬ કિમી લાંબા આ પ્રોજેક્ટ્સ ૫ રાજ્યોના ૧૪ જિલ્લાઓને સીધો લાભ પહોંચાડશે. આ અંતર્ગત મુંબઈ-હાવડા રૂટ પર ખડગપુરથી ઝારસુગુડા વચ્ચે રૂ. ૬,૫૨૮ કરોડના ખર્ચે ૩૬૭ કિમી લાંબી ચોથી લાઈન, અરકોનમથી રેનિગુંટા વચ્ચે રૂ. ૧,૯૩૬ કરોડના ખર્ચે ૭૭ કિમીની ત્રીજી અને ચોથી લાઈન તથા બિલાસપુર-કટની રૂટને પણ ૪-લેન કરવાનો રસ્તો સાફ થયો છે.

 

સામાન્ય નાગરિકો અને દેશના વેપારને થશે બમ્પર ફાયદા:

 

આ આધુનિક પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી દેશના ૪,૭૯૦ ગામડાઓ સીધાં ઉત્તમ રેલ નેટવર્ક સાથે જોડાશે. ટ્રેકની ક્ષમતા વધવાથી દર વર્ષે આશરે ૫૬ લાખ વધારાના મુસાફરો સરળતાથી મુસાફરી કરી શકશે. આ ઉપરાંત, પેસેન્જર ટ્રેક ખાલી થતાં માલગાડીઓની ઝડપ વધશે, જેનાથી વાર્ષિક ૨૭ મેટ્રિક ટન વધારાના માલસામાનની હેરફેર શક્ય બનશે, જે દેશના આર્થિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

 

(5:34 PM IST)