તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
ભારતીય અર્થતંત્રમાં ‘રિવર્સ ગિયર’: IMFના નવા રેન્કિંગમાં ભારત ચોથા સ્થાનેથી પછડાઈને છઠ્ઠા ક્રમે પહોંચ્યું, જાણો કેમ અચાનક બદલાયું આખું સમીકરણ!
વૈશ્વિક યુદ્ધો અને ડોલર સામે નબળો પડતો રૂપિયો ભારતને પડ્યો ભારે: GDP ગણતરીમાં ‘બેઝ યર’નો બદલાવ પણ રેન્કિંગ ઘટવા પાછળનું ટેકનિકલ કારણ - છતાં 6.5%ના વિકાસ દર સાથે ભારતનું ‘ગ્રોથ એન્જિન’ હજુ પણ ગતિમાં

રાજકોટ : વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય રાખનાર ભારત માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ના તાજેતરના અહેવાલે ચિંતા જગાવી છે. થોડા સમય પહેલા જ જાપાનને પાછળ છોડી ચોથા ક્રમે પહોંચેલું ભારત હવે છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. આ રેન્કિંગમાં જર્મની ત્રીજા, જાપાન ચોથા અને બ્રિટન પાંચમા ક્રમે આવી જતાં ભારત હવે ટોપ-5માંથી બહાર ફેંકાઈ ગયું છે. જોકે, આ ઘટાડા પાછળ કેટલાક મજબૂત વૈશ્વિક અને ટેકનિકલ કારણો જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
રૂપિયાનું ધોવાણ અને મોંઘી આયાત
ભારતના રેન્કિંગમાં ઘટાડાનું સૌથી મોટું કારણ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં થયેલો ઘટાડો છે. જ્યારે રૂપિયાનું મૂલ્ય ઘટે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની GDPનું કદ ડોલરના ટર્મમાં સંકોચાયેલું દેખાય છે. હાલમાં ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધોને કારણે તેલ અને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે, જેનાથી ભારતનું આયાત બિલ મોંઘું થયું છે. જો રૂપિયો હજુ વધુ નબળો પડીને 97 કે 100ના સ્તર પર પહોંચે, તો અર્થતંત્ર પર દબાણ વધી શકે છે.
‘બેઝ યર’ માં ફેરફારનું ગણિત
ટેકનિકલ દ્રષ્ટિએ જોઈએ તો, ભારત સરકારે GDP ગણતરી માટેનું આધાર વર્ષ (Base Year) 2011-12 થી બદલીને 2022-23 કર્યું છે. જ્યારે ગણતરીનો પાયો નજીકના વર્ષમાં ખસેડવામાં આવે છે, ત્યારે સરખામણી માટેનું ક્ષેત્ર મોટું થઈ જાય છે, જેના કારણે GDPના કદમાં અંદાજે 3.8% જેટલો ટેકનિકલ ઘટાડો જોવા મળે છે. નોટબંધી, GST અને કોરોનાકાળને કારણે લાંબા સમયથી આ ફેરફાર ટાળવામાં આવ્યો હતો, જે હવે અમલી બનતા આંકડાઓમાં ફેરફાર દેખાઈ રહ્યો છે.
ચિંતા વચ્ચે આશાનું કિરણ: મજબૂત વિકાસ દર
રેન્કિંગમાં ભલે ભારત પાછળ ગયું હોય, પરંતુ વિકાસની ગતિમાં ભારત હજુ પણ ‘વર્લ્ડ ચેમ્પિયન’ છે. IMFના ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ નોંધ્યું છે કે જ્યારે વિશ્વનો સરેરાશ વિકાસ દર 3.1% છે, ત્યારે ભારત તેનાથી બમણી ઝડપે એટલે કે 6.5%ના દરે વૃદ્ધિ કરી રહ્યું છે. આ દર્શાવે છે કે ભારતનું આર્થિક માળખું અત્યંત મજબૂત છે અને વર્તમાન ઘટાડો માત્ર ક્ષણિક હોઈ શકે છે.
GDP ઘટવાની સામાન્ય જનતા પર અસર
જ્યારે GDP રેન્કિંગ કે કદમાં ઘટાડો થાય છે, ત્યારે તેની અસર બજારમાં ખરીદ શક્તિ પર જોવા મળે છે. ઉત્પાદન ઘટતા રોજગારીની તકોમાં ઘટાડો થવાની ભીતિ રહે છે અને લોકો આર્થિક અસુરક્ષાને કારણે ખર્ચ કરતા અચકાય છે. 1990ના દાયકા જેવી ગંભીર સ્થિતિ ભલે અત્યારે ન હોય, પરંતુ ભારત માટે આ એક ચેતવણી છે કે તેણે પોતાની આર્થિક વ્યૂહરચનાઓ વધુ મજબૂત બનાવવી પડશે.
નિષ્ણાતોના મતે, જો વૈશ્વિક તણાવ ઓછો થાય અને રૂપિયો ફરી સ્થિર થાય, તો ભારત ટૂંક સમયમાં ફરીથી ટોપ-5 અને ત્યારબાદ ત્રીજા ક્રમ તરફ આગળ વધી શકશે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
