<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

દેશના હવામાનમાં પલટો: ૧૩ રાજ્યોમાં ૪૦થી ૭૦ કિમી ઝડપે ભારે આંધી-તોફાન સાથે વરસાદનું એલર્ટ જારી

ઉત્તરાખંડ, હિમાચલ અને એમપીના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સાથે મોટા પ્રમાણમાં કરા પડવાની પણ ચેતવણી: કેટલાક રાજ્યો માટે ઓરેન્જ અને કેટલાક માટે યલો એલર્ટ જાહેર

નવી દિલ્હી: હવામાન વિભાગનું એલર્ટ: દેશના ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જે ૧૩ રાજ્યો માટે ચેતવણી આપવામાં આવી છે, તેમાં ૧. દિલ્હી (રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર), ૨. ઉત્તર પ્રદેશ, ૩. ઉત્તરાખંડ ૪. હિમાચલ પ્રદેશ ૫. પંજાબ ૬. હરિયાણા ૭. રાજસ્થાન ૮. મધ્ય પ્રદેશ ૯. બિહાર ૧૦. ઝારખંડ ૧૧. છત્તીસગઢ ૧૨. મહારાષ્ટ્ર અને ૧૩. ગુજરાતના સમાવેશ થાય છે.

 

વિવિધ હવામાન ચેનલો અને નિષ્ણાતો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ઉત્તર ભારત અને પહાડી વિસ્તારોમાં એક નવો પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થયો છે, જેની સીધી અસર મેદાની વિસ્તારોના હવામાન પર પડી રહી છે. 

 

આ ભૌગોલિક ફેરફારને કારણે વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો છે.

આગામી દિવસોમાં આ રાજ્યોમાં ૪૦ થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે ધૂળની ડમરીઓ ઉડવાની અને તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

 

પવનની સાથે ગાજવીજ અને ધોધમાર વરસાદની સંભાવના છે. ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સાથે મોટા પ્રમાણમાં કરા પડવાની (ઓલાવૃષ્ટિ) પણ ચેતવણી આપવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા કેટલાક રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ અને કેટલાક માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.

 

લાંબા સમયથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર અને મધ્ય ભારતના નાગરિકોને આ વરસાદથી મોટી રાહત મળશે. હવામાન વિભાગના આંકડા મુજબ આ પલટાને કારણે મહત્તમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સેલ્સિયસ સુધીનો મોટો ઘટાડો નોંધાઈ શકે છે..

(9:40 AM IST)