News of Tuesday, 21st July 2026
બેંકિંગ ક્ષેત્રમાં રિઝર્વ બેંકની મોટી ડિજિટલ 'સર્જિકલ સ્ટ્રાઈક': નાણાકીય સિસ્ટમમાંથી એકસાથે ₹૭૦,૮૮૮ કરોડની ચોખ્ખી કેશ ખેંચી લીધી!
મહામંદી અને ફુગાવાને રોકવા RBIનું મોટું મની માર્કેટ ઓપરેશન: એક જ દિવસમાં રૂ. ૧.૫૨ લાખ કરોડથી વધુની રકમ બેંકોએ એસડીએફમાં પાર્ક કરી

મુંબઈ, તા.૨૧: દેશની નાણાકીય સિસ્ટમમાં રોકડ પ્રવાહ અને ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે દેશની મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટું પગલું ભર્યું છે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના નાણાકીય માર્કેટ ઓપરેશન્સના આંકડા મુજબ, બેંકિંગ સિસ્ટમમાંથી ₹૭૦,૮૮૮.૧૮ કરોડની ચોખ્ખી કેશ (તરલતા) શોષી લેવામાં (એબસોર્બ કરી) આવી છે. મધ્યસ્થ બેંકના આ પગલાથી મની માર્કેટમાં મોટો સળવળાટ જોવા મળી રહ્યો છે.
રિઝર્વ બેંકના લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ઓપરેશન્સ (LAO) અનુસાર, દિવસ દરમિયાન સિસ્ટમમાંથી કુલ ₹૮૧,૬૭૨ કરોડનું ચોખ્ખું શોષણ કરવામાં આવ્યું હતું. તેની સામે બાકી લિક્વિડિટી ઇન્જેક્શન (રોકડ ઠાલવવી) ₹૧૦,૭૮૩.૮૨ કરોડ હતું. આ આંકડાઓની સરભર બાદ બેંકિંગ ક્ષેત્રમાંથી ફાઇનલ ₹૭૦,૮૮૮.૧૮ કરોડની જંગી રકમ બહાર ખેંચાઈ ગઈ છે.
VRR અને SDF નો માસ્ટરસ્ટ્રોક
આ ઓપરેશન દરમિયાન, RBI એ ૫.૨૬ ટકાના કટ-ઓફ રેટ પર ૩ દિવસ માટે 'વેરિયેબલ રેટ રેપો' (VRR) પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં રૂ. ૭૫,૦૦૩ કરોડનું રોકાણ કરાયું હતું. બીજી તરફ, દેશની બેંકોમાં કેશનો મોટો જથ્થો વધારાનો પડ્યો હોવાનો પણ પુરાવો મળ્યો છે. બેંકોએ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) હેઠળ ૫.૦૦ ટકાના વ્યાજદરે રૂ. ૧,૫૨,૧૨૦ કરોડ જેટલી મસમોટી રકમ સેન્ટ્રલ બેંક પાસે જમા (પાર્ક) કરી દીધી છે.
નિષ્ણાતોના મતે, બેંકિંગ સિસ્ટમમાં જ્યારે જરૂરિયાત કરતાં વધુ કેશ જમા થઈ જાય છે ત્યારે વ્યાજદરો અને મોંઘવારીનું સંતુલન જાળવવા માટે RBI સમયાંતરે આવા 'ઓપરેશન' કરીને કેશનો પ્રવાહ નિયંત્રિત કરતી હોય છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
