<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

મોંઘવારીને કાબૂમાં લેવા રિઝર્વ બેન્ક ફરી વ્યાજદર વધારવાની તૈયારીમાંઃ ચોથી ડિસેમ્બરે કરોડો લોનધારકોને વધુ એક આર્થિક ઝટકો લાગવાની શક્યતા

છૂટક મોંઘવારીનો દર ૬.૦૯ ટકા અને ખાદ્ય મોંઘવારી ૮.૯૪ ટકા પહોંચતાં ચિંતા વધી, રેપો રેટ ૫.૭૫ ટકા થવાની સંભાવના

મુંબઈ, તા. ૨૫ : દેશમાં વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેન્ક આગામી ડિસેમ્બરની નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટ એટલે કે ૦.૨૫ ટકાનો વધારો કરે તેવી અર્થશાસ્ત્રીઓએ શક્યતા વ્યક્ત કરી છે. રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠક બીજીથી ચોથી ડિસેમ્બર દરમિયાન યોજાનાર છે.

કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા અનુસાર ઓક્ટોબરમાં છૂટક મોંઘવારીનો દર ૬.૦૯ ટકા અને ખાદ્ય મોંઘવારીનો દર ૮.૯૪ ટકા નોંધાયો છે. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી ૯.૦૯ ટકા સુધી પહોંચી છે. અલ નીનોની અસર, અપૂરતો વરસાદ, ખાદ્ય ચીજવસ્તુઓ અને ઊર્જાના વધતા ખર્ચને કારણે મોંઘવારીનું દબાણ યથાવત્ રહેવાની આશંકા છે.

ઓક્ટોબરમાં રિઝર્વ બેન્કે રેપો રેટ વધારીને ૫.૫૦ ટકા કર્યો હતો. વધુ એક વધારો થાય તો તે ૫.૭૫ ટકા થશે. પરિણામે હોમલોન, કારલોન અને અન્ય ફ્લોટિંગ વ્યાજદરવાળી લોનના હપ્તા અથવા ચુકવણીની મુદત વધી શકે છે.

 

ગવર્નર સંજય મલ્હોત્રા ચોથી ડિસેમ્બરે સવારે ૧૦ વાગ્યે નાણાકીય નીતિ જાહેર કરે તેવી માહિતી છે. જોકે વ્યાજદર વધારવાનો અંતિમ નિર્ણય હજુ લેવાયો નથી. 

(9:42 AM IST)