તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની કડક કાર્યવાહી: નિયમોનું ઉલ્લંઘન કરનાર પાંચ મોટી કંપનીઓ પર ૪૫ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો
ટ્રાન્સયુનિયન CIBIL ને સૌથી વધુ ૨૬.૮૨ લાખનો દંડ : ફરિયાદોનો સમયસર નિકાલ ન કરવા અને ક્રેડિટ માહિતી રિપોર્ટિંગમાં ખામી બદલ RBIનો સખત નિર્ણય

નવી દિલ્હી : RBI એ નિયમનકારી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દેશની પાંચ અગ્રણી નાણાકીય અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ સામે લાલ આંખ કરી છે. રિઝર્વ બેંકે વિવિધ કાયદાકીય જોગવાઈઓ અને નિયમોનું પાલન ન કરવા બદલ આ કંપનીઓ પર કુલ આશરે ૪.૫ મિલિયન (૪૫ લાખ) રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે. જેમાં ક્રેડિટ બ્યુરો કંપનીઓ ટ્રાન્સયુનિયન CIBIL, CRIF હાઇ માર્ક અને ઇક્વિફેક્સ ક્રેડિટ ઇન્ફર્મેશન સર્વિસીસ ઉપરાંત નાણાકીય સંસ્થાઓ સન્માન ફિનસર્વ અને હિન્દુજા લેલેન્ડ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. RBI મુજબ ટ્રાન્સયુનિયન CIBIL ને સૌથી વધુ ૨૬.૮૨ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
RBI ના જણાવ્યા અનુસાર, મુખ્યત્વે ત્રણ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ (CIBIL, CRIF હાઇ માર્ક અને ઇક્વિફેક્સ) નિર્ધારિત સમયમર્યાદામાં ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ કરવામાં અને ક્ષતિગ્રસ્ત ડેટા સુધારીને નિયમ મુજબ વળતર ચૂકવવામાં નિષ્ફળ રહી હતી. જ્યારે અન્ય બે કંપનીઓ પૈકી સન્માન ફિનસર્વ તેના એક મોટા દેવાદાર સંબંધિત ક્રેડિટ માહિતી 'સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઇન્ફર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ' (CRILC) ને રિપોર્ટ કરવામાં નિષ્ફળ રહી હતી. આ ઉપરાંત હિન્દુજા લેલેન્ડ ફાઇનાન્સ દ્વારા માઇક્રોફાઇનાન્સ લોનના વ્યાજ દર અને ભાવ નિર્ધારણ માટે બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી નીતિનું યોગ્ય પાલન ન કરવામાં આવતાં દંડ ફટકારવામાં આવ્યો છે.
કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી કંપનીઓ દ્વારા કરવામાં આવેલી નિયમનકારી ઉલ્લંઘનો અને ખામીઓના આધારે જ કરવામાં આવી છે. આ દંડથી કંપનીઓ અને તેમના ગ્રાહકો વચ્ચેના કોઈ પણ વ્યવહાર કે કરારની માન્યતા પર કોઈ વિપરીત અસર પડશે નહીં, પરંતુ ભવિષ્યમાં તમામ નાણાકીય સંસ્થાઓ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે હેતુથી આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
