News of Saturday, 3rd October 2026
ક્રિપ્ટોકરન્સી અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું વલણ અતિ સજાગ અને સાવચેતીભર્યું: બ્લોકચેન અને ટોકનાઇઝેશન જેવી ટેકનોલોજીના સમર્થન સાથે નાણાકીય સાર્વભૌમત્વ જાળવવા સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનો વિકલ્પ ઉત્તમ
કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવમાં રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન: દેશમાં ડિજિટલ લેજર ટેકનોલોજી અને જાહેર-ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન અપાશે, પરંતુ વિદેશી ચલણના અનિયંત્રિત પ્રવાહ અને મોનિગ પોલિસીના જોખમો સામે ક્રિપ્ટો પર કડક નજર રાખવી જરૂરી

નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ વ્યવહારો વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા ક્રિપ્ટોકરન્સીને લઈને પોતાનું વલણ પુનઃ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. દિલ્હી ખાતે આયોજિત કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ દરમિયાન વ્યાખ્યાન આપતાં આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ભારત સરકાર અને રિઝર્વ બેંક ક્રિપ્ટોકરન્સીના મૂલ્ય અને ચલણ તરીકેના ઉપયોગ સામે અત્યંત સાવધ છે, પરંતુ તેની પાછળ રહેલી અદ્યતન ટેકનોલોજીના વિકાસ અને ઉપયોગ માટે સંપૂર્ણપણે વિનમ્ર અને સકારાત્મક અભિગમ ધરાવે છે.
ગવર્નર મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું હતું કે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેકનોલોજી (ડીએલટી) અને ટોકનાઇઝેશન જેવા આધુનિક ક્ષેત્રોમાં નવીનતાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. રિઝર્વ બેંક પોતે તેમજ જાહેર અને ખાનગી ભાગીદારી (પીપીપી મોડેલ) દ્વારા આ નવીન તકનીકોનો વ્યાપક ઉપયોગ કરી રહી છે. જોકે, જ્યારે વાત ક્રિપ્ટોકરન્સીની આવે છે ત્યારે દેશના નાણાકીય સાર્વભૌમત્વ (Monetary Sovereignty), મૌદ્રિક નીતિના અમલીકરણ અને દેશમાંથી મૂડીના અનિયંત્રિત બહાર જવાના જોખમો મુખ્ય ચિંતાનો વિષય બને છે.
પોતાના સંબોધનમાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતમાં અને વિશ્વના અન્ય ઘણા દેશોમાં દેશભીતરના (ડોમેસ્ટિક) પેમેન્ટ્સ અત્યંત ઝડપી, સસ્તા અને સરળ બની ચૂક્યા છે, જેથી સ્થાનિક સ્તરે ક્રિપ્ટોની જરૂરિયાત જણાતી નથી. મુખ્ય પડકાર સરહદ પારના (ક્રોસ-બોર્ડર) ચૂકવણાંનો છે. આ ક્ષેત્રે ઉકેલ લાવવા માટે ક્રિપ્ટોને બદલે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) જેવા સત્તાવાર વિકલ્પો પર વધુ ભાર મૂકવો અને તેનું વિસ્તરણ કરવું યોગ્ય રસ્તો છે.
વૈશ્વિક અર્થતંત્ર, વધતા સરકારી દેવા અને બોન્ડ યીલ્ડમાં થઈ રહેલા વધારા અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સહિતના ક્ષેત્રોમાં સરકારી તેમજ ખાનગી મૂડીરોકાણ વધવાને કારણે નાણાંની માંગ વધી છે. પૂરતા નાણાંની અછત અને માંગ-પુરવઠાના ગણિતના કારણે વૈશ્વિક સ્તરે બોન્ડ યીલ્ડ મજબૂત બની રહ્યા છે. આરબીઆઈની મૌદ્રિક નીતિ મુખ્યત્વે દેશના આંતરિક વિકાસ અને ફુગાવા (મોંઘવારી)ના દરો પર આધારિત હોય છે, પરંતુ વૈશ્વિક વ્યાજદરો અને વાસ્તવિક વ્યાજદરોની અસરોને ધ્યાનમાં રાખીને યોગ્ય નાણાકીય નિર્ણય લેવા અનિવાર્ય બને છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
