તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
દેશની બેન્કોને રિઝર્વ બેન્કના ગવર્નરની મોટી અપીલ : મોટા ઉદ્યોગપતિઓ કરતાં નાના ધંધાર્થીઓને વધુ ધિરાણ આપો
એક મોટી કંપનીને એક હજાર કરોડ આપવાથી એક જ વ્યવસાયને લાભ, પરંતુ નાના ઉદ્યોગોને એટલી જ રકમ આપવાથી હજારો પરિવારોનું જીવન બદલાઈ શકે : સંજય મલ્હોત્રા

પુણે : ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશની બેન્કોને નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને ધિરાણ આપવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે નાના વ્યવસાયોને મળતું ધિરાણ અર્થતંત્ર અને રોજગારી ઉપર અનેકગણી સકારાત્મક અસર કરી શકે છે.
પુણે જિલ્લાના માવળ તાલુકાના વાકસાઈ ગામે બેન્ક ઓફ મહારાષ્ટ્ર દ્વારા આયોજિત નાણાકીય સમાવેશ કાર્યક્રમમાં તેમણે આ મહત્વપૂર્ણ વાત કરી હતી.
મલ્હોત્રાએ જણાવ્યું હતું કે એક મોટી કંપનીને એક હજાર કરોડ રૂપિયાની લોન આપવાથી મુખ્યત્વે એક જ વ્યવસાયને લાભ મળે છે. પરંતુ આટલી જ રકમ નાના ઉદ્યોગોમાં વહેંચવામાં આવે તો આર્થિક લાભ સો ગણો અને સૂક્ષ્મ ઉદ્યોગોમાં તો હજાર ગણો પણ થઈ શકે છે.
તેમણે ગ્રામ્ય વિસ્તારના લોકોને બેન્કિંગ, વીમા, પેન્શન અને ધિરાણ સુવિધાઓ સાથે જોડવાની જરૂરિયાત દર્શાવી હતી.
દેશમાં નાણાકીય સમાવેશ અભિયાન હેઠળ ૬૦ કરોડથી વધુ બેન્ક ખાતાં ખોલવામાં આવ્યાં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ગવર્નરે ડિજિટલ છેતરપિંડી સામે સાવચેત રહેવા અને અજાણી વ્યક્તિને ઓટીપી નહીં આપવા ખાસ અપીલ કરી હતી. નાણાકીય સમાવેશ માટેના વિશેષ કેમ્પ ૩૧ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
