તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
અનામત પર CJP ના સ્થાપક અભિજીત દીપકેનું મોટું નિવેદન: "વંચિતોને શિક્ષણ મળે તેમાં ખોટું શું? અનામત હટાવવાની જગ્યાએ દેશમાં નવી સ્કૂલ-કોલેજો બનાવો અને મેનેજમેન્ટ ક્વોટા નાબૂદ કરો"
રાજકારણમાં પ્રવેશવાનો ઈનકાર કરતાં સરપંચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ૫ ઓગસ્ટે CJP ની ભાવિ રણનીતિ અંગે મળશે મુખ્ય નેતાઓની બેઠક.

નવી દિલ્હી — તા.૦૩ દિલ્હીના ચર્ચિત વિદ્યાર્થી આંદોલનથી દેશભરમાં જાણીતા બનેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકેએ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતના મુદ્દે ખુલ્લેઆમ પોતાનું સમર્થન આપ્યું છે. એક વિશેષ ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અનામતથી કોઈને તકલીફ ન હોવી જોઈએ, કારણ કે તેનાથી સમાજના વંચિત અને ગરીબ બાળકોને આગળ વધવાની અને શિક્ષણ મેળવવાની તક મળે છે.
અભિજીત દીપકે અનામત વિરોધીઓને આકરો જવાબ આપતાં જણાવ્યું કે, "ગરીબ કે વંચિત વર્ગના બાળકો સરકાર પાસે કાર કે બંગલો નથી માગી રહ્યા, તેઓ માત્ર શિક્ષણ માગી રહ્યા છે જે તેમના પરિવાર અને આખા સમાજનું ઉત્થાન કરે છે. અનામતને કારણે બેઠકો ઘટે છે તેવો વિરોધ કરવાને બદલે લોકોએ સરકાર પાસે નવી શાળાઓ, કોલેજો અને વધુ સીટોની માંગ કરવી જોઈએ." તેમણે ઉમેર્યું કે ખરી સામાન્ય જનતા માટે સમસ્યા પૈસા આપીને પ્રવેશ મેળવવાનો 'મેનેજમેન્ટ ક્વોટા' છે, જેને તુરંત જ નાબૂદ કરવો જોઈએ કારણ કે ત્યાં ખરા અર્થમાં મેરિટ અને અધિકારોનું હનન થાય છે.
બીજી તરફ, પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ અંગે સ્પષ્ટતા કરતા તેમણે ઉમેર્યું કે તેમને કોઈ ધારાસભ્ય કે સાંસદ બનવામાં રસ નથી અને તેમની આવી કોઈ રાજકીય ઈચ્છા હોત તો તેઓ બોસ્ટન યુનિવર્સિટી ભણવા ન ગયા હોત. તેઓ મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં આવેલા તેમના મૂળ ગામ 'સંતુક પિંપરી'ના સરપંચ બનીને ગામનો વિકાસ કરવા માંગે છે.
દરમિયાન, CJP ના સંગઠનને મજબૂત કરવા અને ભાવિ કાર્ય યોજના ઘડી કાઢવા માટે આગામી ૫ ઓગસ્ટે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર ખાતે અભિજીત દીપકના નિવાસસ્થાને પાર્ટીના મુખ્ય હોદ્દેદારો, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં સંગઠન વિસ્તરણ અંગે મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતા છે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
