<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

નેપાળમાં કુદરતી આપદાને 40 દિવસ બાદ રેસ્ક્યૂ ઓપરેશન બંધ: 189 ભારતીયો સહીત 5200થી વધુ લોકો હજુ પણ ગૂમ

અત્યાર સુધી 1,455 લોકોનાં મોત થયાં :36 દેશોના કુલ 606 વિદેશી પ્રવાસીઓ લાપતા:હવે નેપાળ સરકારે મુખ્ય ધ્યાન પુનર્નિર્માણ અને અસરગ્રસ્ત લોકોના પુનર્વસન પર કેન્દ્રિત કર્યું

નેપાળમાં 26 ઓગસ્ટે આવેલી વિનાશક કુદરતી આપદાને 40 દિવસ વીતી ગયા છે, છતાં દેશના અનેક વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે સામાન્ય થઈ શક્યું નથી. ભૂકંપ અને ભોટેકોશી-ત્રિશૂલી નદીમાં આવેલા વિનાશક પૂરથી હજારો પરિવારોની જિંદગી એક જ ક્ષણમાં બદલાઈ ગઈ હતી. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જ્યારે હજારો લોકોનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. 40 દિવસ બાદ હવે તમામ બિનજરૂરી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વિનાશક ઘટનામાં અત્યાર સુધી 1,455 લોકોનાં મોત થયાં હોવાનું જણાવાયું છે, જ્યારે 5,285 લોકો હજુ પણ લાપતા છે. લાપતા લોકોમાં 189 ભારતીય નાગરિકો ઉપરાંત ભારતીય મૂળના અનેક લોકોનો પણ સમાવેશ થાય છે. લાંબા સમયથી ચાલી રહેલી શોધખોળ બાદ હવે નેપાળ સરકારે મુખ્ય ધ્યાન પુનર્નિર્માણ અને અસરગ્રસ્ત લોકોના પુનર્વસન પર કેન્દ્રિત કર્યું છે.

ન્યૂઝ એજન્સી ‘ભાષા’ના અહેવાલ મુજબ, વડાપ્રધાન બાલેન્દ્ર શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પુનર્નિર્માણ અને પુનર્વસનને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો હતો. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિઓ, (NDRRMA) તથા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેનારી ટીમોએ સરકારને પોતાની ભલામણો સોંપી હતી.

 

કાઉન્સિલે વિવિધ મંત્રાલયો અને એજન્સીઓ દ્વારા રજૂ કરાયેલા 504 Reconstruction and Rehabilitation Programmes માટે નાણા મંત્રાલયને 559 અબજ નેપાળી રૂપિયા, એટલે કે અંદાજે ₹35,000 કરોડ મંજૂર કરવાની ભલામણ કરી છે. જે પ્રોજેક્ટ્સની કિંમતનું મૂલ્યાંકન હજુ બાકી છે, તેમના માટે વધારાનું ફંડ એકત્ર કરવાની જવાબદારી NDRRMAને સોંપવામાં આવી છે.

નેપાળના પ્રવાસન વિભાગના તાજા આંકડા મુજબ, પૂર બાદ 36 દેશોના કુલ 606 વિદેશી પ્રવાસીઓ લાપતા છે. તેમાં 189 ભારતીયો, 65 અમેરિકન, 55 મલેશિયન, 54 યુક્રેનિયન, 37 ચીની, ઓસ્ટ્રેલિયા અને લાતવિયાના 33-33 નાગરિકો, 32 બ્રિટિશ અને 30 કેનેડિયન નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 188 નેપાળી પ્રવાસીઓ પણ હજુ લાપતા છે.

રિપોર્ટમાં આપવામાં આવેલી રાજ્યવાર વિગતો મુજબ લાપતા ભારતીયોમાં તમિલનાડુના 85, પશ્ચિમ બંગાળના 37, ગુજરાતના 30, તેલંગાણાના 25, ઉત્તર પ્રદેશના 22, કર્ણાટકના 13, આંધ્ર પ્રદેશના લોકો ઉપરાંત બિહારના 12, મહારાષ્ટ્રના 10 અને ઓડિશાના 4 લોકોનો સમાવેશ થાય છે. ઘટનાને 40 દિવસ વીતી ગયા છતાં તેમના વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી અને હવે બિનજરૂરી શોધ તથા બચાવ અભિયાન પણ બંધ કરવામાં આવ્યા છે.

 

(11:43 AM IST)