<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

નેપાળમાં જળપ્રલય વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન તેજ: ત્રિશૂલી પ્રોજેક્ટ ટનલમાં સેંકડો કર્મીઓ ફસાયા

ત્રિશૂલી પ્રોજેક્ટ ટનલમાં 900 કર્મીઓ ફસાયા છે, જ્યાં સેનાએ ઓક્સિજન પહોંચાડ્યો:દેશભરમાં 752થી વધુના મોત અને 2,500 ગુમ નોંધાયા

નેપાળમાં ગ્લેશિયર તૂટવાથી આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલન બાદ સર્જાયેલી કટોકટી વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે,ઉપલા ત્રિશૂલી-3એ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા એન્જિનિયરો અને કર્મચારીઓને બહાર કાઢવા નેપાળી સેના, આર્મ્ડ પોલીસ અને સ્નિફર ડોગ્સ સહિત 90 સભ્યોની સ્પેશિયલ ટીમ સતત ડ્રિલિંગ અને કાટમાળ હટાવવામાં લાગેલી છે.

નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં સૌથી મોટી કસોટી ભૂગર્ભ ટનલોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની છે. રવિવારે સંયુક્ત બચાવ દળ ટનલના ઉપરના ભાગ એટલે કે 'ક્રાઉન હેડ' સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. ત્યાં 2×3 ફૂટનો નાનો રસ્તો બનાવી દોરડાં વડે અંદર ઉતરીને અવાજ લગાવવામાં આવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. સેનાએ તાત્કાલિક વર્ટિકલ પાઇપ દ્વારા ટનલની અંદર ઓક્સિજન, તાજી હવા અને ફૂડ પેકેટ્સ મોકલવાની કામગીરી પૂર્ણ કરી છે. અંદરની સ્થિતિ તપાસવા માટે સ્પેશિયલ કેમેરા પણ ઉતારવામાં આવ્યા છે.

પૂરના કારણે માર્ગો ધોવાઈ જતાં ઘટનાસ્થળે પહોંચવું અશક્ય બન્યું હતું. નેપાળી સેનાએ એક્સકેવેટર, બુલડોઝર અને ભારે ડ્રિલિંગ મશીનોના સ્પેરપાર્ટ્સ ખોલીને હેલિકોપ્ટર મારફતે નુવાકોટના બટ્ટાર થઈને ટનલ સાઈટ સુધી પહોંચાડ્યા છે.

આ મહાઆફત બુધવારે હિમાલયમાં અંદાજે 5,200 મીટરની ઊંચાઈએ ગ્લેશિયરનો મોટો હિસ્સો તૂટી પડવાથી શરૂ થઈ હતી. લાખો ટન પથ્થર અને કાટમાળ લેંદે નદીમાં ખાબકતાં પૂરનું પ્રચંડ મોજું રસૂવા, નુવાકોટ અને ધાદિંગ જિલ્લા તરફ ધસી ગયું હતું. ત્રિશૂલી નદીનું જળસ્તર માત્ર 30 મિનિટમાં 9 મીટર સુધી વધી ગયું હતું. આ હોનારતમાં નેપાળમાં મૃત્યુઆંક વધીને 752 થયો છે, જ્યારે 2,502 લોકો ગુમ છે. આ ગુમ થયેલા લોકોમાં 933થી વધુ વિવિધ હાઇડ્રોપાવર પ્રોજેક્ટના કર્મચારીઓ અને ટેકનિશિયનો સામેલ છે. ચીનના તિબેટ ક્ષેત્રમાં પણ 16 લોકોના મોત થયા છે અને 261 વિદેશીઓ સહિત 546 લોકો લાપતા બન્યા છે.

આ ભીષણ કુદરતી આપત્તિમાં ફસાયેલા નેપાળની મદદે ભારત, અમેરિકા, યુકે, કેનેડા, સંયુક્ત રાષ્ટ્ર (UN) અને રેડ ક્રોસ આગળ આવ્યા છે. અમેરિકા અને કેનેડાએ 3.6 મિલિયન ડોલર, બ્રિટને 6.8 મિલિયન ડોલર અને યુરોપિયન યુનિયને 2.3 મિલિયન ડોલરની ઈમરજન્સી સહાય જાહેર કરી છે. ભારતે રાહત સામગ્રી, મેડિકલ સપોર્ટ અને સ્પેશિયાલાઇઝ્ડ ટનલ રેસ્ક્યૂ એક્સપર્ટ્સ પૂરા પાડવા સહયોગ વધાર્યો છે. હાલમાં તમામ એજન્સીઓનું સંપૂર્ણ ધ્યાન ટનલમાં ફસાયેલા લોકોના શ્વાસ બચાવવા પર કેન્દ્રિત છે.

(7:36 PM IST)