<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષના આક્ષેપો બાદ આંતરિક મતભેદોના અહેવાલો પર ચૂંટણી પંચે ખુલાસો કરીને સ્થિતિ સ્પષ્ટ કરી

૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫થી કમિશનના તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા હોવાનો દાવો; ૨૫,૦૦૦ અધિકારીઓમાંથી કોઈ ફરિયાદ ન મળ્યાનું સ્પષ્ટકરણ

નવી દિલ્હી, તા.૦૧: ચૂંટણી પંચમાં આંતરિક વિરોધ અને મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા સામે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો વચ્ચે ચૂંટણી પંચે આજે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. ચૂંટણી પંચના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી કમિશનર કક્ષાએ કોઈપણ નિર્ણય સામે કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નથી અને કમિશનના તમામ આદેશો સંપૂર્ણપણે સર્વાનુમતે લેવામાં આવ્યા છે. અગાઉ એવા અહેવાલો વહેતા થયા હતા કે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના કાર્યકાળ દરમિયાન ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ SIR પ્રક્રિયા, ફોર્મ-૬ માં ફેરફાર અને મતદાર યાદીમાંથી નામો દૂર કરવાના નિર્ણયો સામે ૧૦ મહિનામાં ૧૪ વખત ઔપચારિક વાંધો ઉઠાવ્યો હતો, જેના આધારે 'ઇન્ડિયા' ગઠબંધનના ઘટક પક્ષોએ ચૂંટણી પંચની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

 

આ વિવાદ વચ્ચે ચૂંટણી પંચના સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું છે કે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) એ મતદાર યાદીઓને વધુ પારદર્શક અને અદ્યતન બનાવવા માટેની એક કાયદેસર અને દાયકાઓથી ચાલી આવતી પ્રક્રિયા છે. ત્રણ સભ્યોના ચૂંટણી કમિશન દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૫ પછી લેવામાં આવેલા દરેક નિર્ણયમાં ત્રણેય કમિશનરોની સંપૂર્ણ સહમતી હતી. આ ઉપરાંત, નવા મતદારોની નોંધણી માટે વપરાતા ફોર્મ-૬ માં ફેરફાર અથવા ડેટા પ્રોસેસિંગ પ્લેટફોર્મ અંગે જે શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તે તદ્દન પાયાવિહોણી છે અને ફોર્મ-૬ ના મૂળ માળખામાં કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર ફેરફાર કરવામાં આવ્યો નથી.

 

SIR ની કાનૂની વૈધતા અંગે ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબમાં પંચના સૂત્રોએ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનો સંદર્ભ ટાંક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સર્વોચ્ચ અદાલતે આ પ્રક્રિયા પર ક્યારેય કોઈ સ્ટે કે રોક લગાવી નથી. સુપ્રીમ કોર્ટે મતદારોના હિતોનું રક્ષણ કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકા નક્કી કરતી વખતે મતદાર ઘોષણા અને મેપિંગ સિસ્ટમ સહિત SIR ની પ્રક્રિયા ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. તેથી આ પ્રક્રિયા સંપૂર્ણપણે બંધારણીય અને કાનૂની માપદંડોને અનુરૂપ ચલાવવામાં આવી રહી છે.

 

વિપક્ષ દ્વારા મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવાના મૂકાયેલા આરોપો સામે પંચે ટેકનિકલ સ્પષ્ટતા કરી હતી કે આ કામગીરી મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા વ્યક્તિગત રીતે કરવામાં આવતી નથી. દેશભરમાં આ પ્રક્રિયા ઈલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર્સ (EROs) અને આસિસ્ટન્ટ ઈલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર્સ (AEROs) ના સ્તરે હાથ ધરવામાં આવે છે. પંચના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયામાં રોકાયેલા આશરે ૨૫,૦૦૦થી વધુ ERO અને AERO માંથી એક પણ અધિકારીએ સિસ્ટમ કે પ્રક્રિયા અંગે કોઈ ફરિયાદ કે અસંતોષ વ્યક્ત કર્યો નથી.

 

મતદારોની ચકાસણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ભૂલરહિત બનાવવા માટે બૂથ-લેવલ ઓફિસર્સ (BLO) ને વિશેષ તાલીમ આપવામાં આવી છે. જો કોઈ મતદાર પોતાના સરનામે હાજર ન હોય અથવા સ્થળાંતર કરી ગયો હોય, તો પણ કોઈપણ નિર્ણય લેતા પહેલા BLO ને ઓછામાં ઓછા ત્રણ વખત તેમના ઘરે જઈને ભૌતિક ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પંચે ઉમેર્યું હતું કે જાહેર કરાયેલી કેટલીક ફરિયાદો વ્યક્તિગત કિસ્સાઓ સાથે સંબંધિત છે, જેનો યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે.

 

રાજકીય પક્ષોના વિરોધ અને વિવાદ વચ્ચે ચૂંટણી પંચના આ સ્પષ્ટકરણથી આંતરિક મતભેદોની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ પહેલા મતદાર યાદીઓની શુદ્ધતા જાળવી રાખવા માટે પંચ તમામ કાનૂની અને પ્રશાસનિક પગલાં ભરી રહ્યું છે. વિપક્ષી ગઠબંધન દ્વારા આ મુદ્દે વધુ વિરોધ દર્શાવવાની શક્યતાઓ વચ્ચે ચૂંટણી પંચે પોતાની નિષ્પક્ષતા અને પારદર્શક કાર્યપ્રણાલી જાળવી રાખવાનો પુનરોચ્ચાર કર્યો છે.

(4:45 PM IST)