<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

પવઈ-સહાર વચ્ચેની પાણીની લાઈનનું સમારકામ પૂર્ણ: મુંબઈના અનેક વિસ્તારોમાં પાણીપુરવઠો પૂર્વવત્, ઉકાળીને પીવાની સલાહ

26 નવેમ્બરે સવારે 9 વાગ્યે શરૂ થયેલી કામગીરી 27 નવેમ્બરે સવારે 9 વાગ્યે પૂર્ણ; 20 એન્જિનિયર અને 180 કામદારોની 24 કલાકની મહેનત

મુંબઈ : પવઈ હાઈ-લેવલ રિઝર્વિયર-1થી સહાર વિલેજ વચ્ચેની મુખ્ય પાણીની લાઈનમાં થયેલા ગળતરનું સમારકામ નિર્ધારિત સમયમાં પૂર્ણ થતાં મુંબઈના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીપુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો છે, જ્યારે સાવચેતીના ભાગરૂપે નાગરિકોને પાણી ગાળીને તથા ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે. ગુરુવાર, 26 નવેમ્બર, 2026ના રોજ સવારે 9 વાગ્યે શરૂ થયેલી આ સમારકામની કામગીરી શુક્રવાર, 27 નવેમ્બરે સવારે 9 વાગ્યે પૂર્ણ થઈ હતી.

 

સમારકામ પૂર્ણ થયા બાદ દાદર, પરેલ, અંધેરી, સાંતાક્રુઝ, બાન્દ્રા, ખાર-પૂર્વ, ઘાટકોપર, પવઈ, વિક્રોલી અને ભાંડુપ સહિતના વિસ્તારોમાં પાણીપુરવઠો પુનઃસ્થાપિત કરાયો છે, જોકે આગામી ત્રણથી ચાર દિવસ સુધી પાણીનું પ્રેશર નીચું રહેવાની અને પાણી ડહોળું આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

 

ટૅક્નિકલ મુશ્કેલીઓને કારણે બહારથી સમારકામ શક્ય ન હોવાથી પાઈપલાઈનની અંદર પ્રવેશીને ગળતર અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

વોટર એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પવઈ અને સહાર વચ્ચે 1800 મીમી અને 2400 મીમી વ્યાસની લાઈન પર 14 સ્થળોએ તથા 600 મીમી વ્યાસની પાઈપલાઈનમાં 9 સ્થળોએ થયેલા ગળતરને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે.

 

આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા માટે વોટર એન્જિનિયરિંગ વિભાગના કુલ 20 એન્જિનિયર અને 180 કામદારોએ 24 કલાક સતત કામગીરી બજાવી હતી, જેનાથી લાઈનમાં પાણીનું દબાણ સુધરવામાં મદદ મળશે.

 

હવે આગામી 3-4 દિવસ સુધી નીચા પ્રેશર અને ડહોળા પાણીની સ્થિતિ પર તંત્રની નજર રહેશે, તેમજ પાણીપુરવઠો સંપૂર્ણપણે સામાન્ય અને સ્થિર થાય ત્યાં સુધી નાગરિકોએ ઉકાળી-ગાળીને પાણી વાપરવાની સાવચેતી જાળવવી પડશે.

(8:50 PM IST)