<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

બેંગલુરુમાં ઘર ભાડે લેવું મોંઘું બન્યું: 2BHK એપાર્ટમેન્ટ માટે ₹2.25 લાખની સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવવી પડી

મુંબઈ છોડી બેંગલુરુ શિફ્ટ થયેલી ડિજિટલ ક્રિએટર રાતિકા ખંડેલવાલે હોમ ટૂરનો વીડિયો શેર કરી બેંગલુરુના રિયલ એસ્ટેટ માર્કેટની વાસ્તવિકતા છતી કરી

બેંગલુરુ:  દેશની આઈટી કેપિટલ ગણાતા બેંગલુરુ શહેરમાં મકાન ભાડે લેવું કેટલું મોંઘું અને પડકારજનક બની ગયું છે તેનો તાજો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈથી બેંગલુરુ સ્થળાંતર કરનાર જાણીતી ડિજિટલ ક્રિએટર રાતિકા ખંડેલવાલે સોશિયલ મીડિયા પર પોતાના નવા 2BHK એપાર્ટમેન્ટની હોમ ટૂરનો વીડિયો શેર કરીને બેંગલુરુના મોંઘા ભાડા બજારની વાસ્તવિકતા રજૂ કરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઘરનો વીડિયો શેર કરતાં રાતિકાએ લખ્યું હતું કે, "બેંગલુરુ એપાર્ટમેન્ટ ટૂર! અહીં સિક્યોરિટી ડિપોઝિટ આટલી ઊંચી કેમ છે? અને એ લોકો કોણ છે જે ₹30,000-40,000 માં સારા ફ્લેટ મળી જાય છે તેવા વીડિયો બનાવે છે? અમને તો સારી જગ્યાએ એક પણ ફ્લેટ આ બજેટમાં મળ્યો નથી!"


સોશિયલ મીડિયા પર યુઝર્સના પ્રશ્નોના જવાબ આપતા રાતિકાએ સ્પષ્ટ કર્યું હતું કે તેણી બેંગલુરુના પોશ ગણાતા ઈન્દિરાનગર નજીકના ન્યૂ થિપ્પાસન્દ્રા  વિસ્તારમાં રહે છે.

આ ફ્લેટની ખાસિયતો જણાવતા તેણીએ કહ્યું કે, આ 2BHK એપાર્ટમેન્ટમાં બે મોટી બાલ્કની આવેલી છે. હોલ સાથે જોડાયેલી બાલ્કની પશ્ચિમ દિશા તરફ હોવાથી ત્યાં પૂરતો સૂર્યપ્રકાશ મળે છે, જે છોડ-છોડવાઓ માટે ખૂબ ઉત્તમ છે. આ સિવાય ઘરનું રસોડું પણ મુંબઈના તેના જૂના ફ્લેટ કરતાં ઘણું મોટું અને સ્પેસિયસ છે.

જોકે ₹2.25 લાખની ભારે ડિપોઝિટ અને ઊંચા ભાડા છતાં રાતિકા પોતાના નવા ઘરથી ખુશ જણાઈ રહી છે. મુંબઈ અને બેંગલુરુ વચ્ચેના તફાવત અંગે એક યુઝરે પૂછેલા સવાલના જવાબમાં તેણીએ હસતાં હસતાં જણાવ્યું હતું કે, બેંગલુરુ રહેવા માટે મુંબઈ કરતાં ઘણું વધારે આરામદાયક, મોટું અને શાંતિદાયક છે. ચાર મહિનાના ગાળામાં નવા શહેરમાં શિફ્ટ થવું થકવી દેનારું હતું, પરંતુ બેંગલુરુનું આ ઘર તેના માટે નવો અને વધુ સારો અનુભવ લઈને આવ્યું છે.

(5:55 PM IST)