<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

સિંહસ્થ કુંભ મેળા પહેલા નાશિકમાં ધાર્મિક ગરમાવો: ઓઝર એરપોર્ટનું નામ બદલીને 'જટાયુ એરપોર્ટ' કરવાની સાધુ-સંતોએ કરી બુલંદ માગ!

રામાયણના પૌરાણિક વારસાને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવા સાધુ સમાજ મેદાનમાં: કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આવેદનપત્ર પાઠવાયું

નાશિક : મહારાષ્ટ્રના પવિત્ર ધામ નાશિક અને ત્ર્યંબકેશ્વરમાં યોજાનારા આગામી મહાકુંભ સ્નાન અગાઉ એક મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક ઘટનાક્રમે જોર પકડ્યું છે. ‘વિરક્ત સાધુ સમાજ નાસિક મંડળ ટ્રસ્ટ’ અને ‘શ્રીક્ષેત્ર નાસિક આદ્ય સંત મહંત મંડળ’ દ્વારા નાશિકના ઓઝર એરપોર્ટનું નામ સત્તાવાર રીતે બદલીને 'જટાયુ એરપોર્ટ, નાશિક' રાખવાની આકરી માગણી કરવામાં આવી છે. સાધુ-સંતોના મતે આ નિર્ણયથી નાશિકના રામાયણ સાથે જોડાયેલા પૌરાણિક વારસાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળશે.

 

૩૧ ઓક્ટોબર ૨૦૨૬થી ધ્વજારોહણ સાથે કુંભ મેળાનો પ્રારંભ

 

નાશિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભ મેળાનો સત્તાવાર પ્રારંભ ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રામકુંડ, પંચવટી અને ત્ર્યંબકેશ્વરમાં ભવ્ય ધ્વજારોહણ સાથે થશે. આ મહાપર્વ દરમિયાન દેશ-વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો આવવાની શક્યતા છે. કુંભના મુખ્ય 'અમૃત સ્નાન' માટે પણ તારીખો જાહેર થઈ ચૂકી છે, જેમાં પ્રથમ અમૃત સ્નાન ૨ ઓગસ્ટ ૨૦૨૭ (સોમવતી અમાવસ્યા), દ્વિતીય સ્નાન ૩૧ ઓગસ્ટ ૨૦૨૭ (શ્રાવણ અમાવસ્યા) અને અંતિમ અમૃત સ્નાન ૧૧ અને ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૭ના રોજ ભાદ્રપદ એકાદશી પર યોજાશે.

 

મુખ્યમંત્રી અને ઉડ્ડયન મંત્રાલય સુધી પહોંચી માગણી

 

સાધુ સમાજના મંડળ દ્વારા નાશિકના જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે, જેની નકલો રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પાલક મંત્રી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પણ મોકલી આપવામાં આવી છે. સાધુ-સંતોએ ભારપૂર્વક જણાવ્યું છે કે, "આ માંગણી નવી નથી, પરંતુ કુંભ મેળા પહેલા તેને અમલમાં મૂકવાની આ સર્વોત્તમ તક છે."

 

જટાયુનું બલિદાન અને ધાર્મિક પ્રવાસનને વેગ

 

રામાયણની કથા અનુસાર, પક્ષીરાજ જટાયુએ માતા સીતાની રક્ષા કાજે રાવણ સામે બહાદુરીપૂર્વક યુદ્ધ ખેલીને પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. નાશિક જિલ્લાના ટાકેડ ખાતે આવેલું પ્રખ્યાત જટાયુ મંદિર આ પૌરાણિક ઘટનાનું સાક્ષી છે. સાધુ સમાજનું માનવું છે કે એરપોર્ટનું નામ 'જટાયુ એરપોર્ટ' રાખવાથી માત્ર ધાર્મિક આસ્થાને સન્માન જ નહીં મળે, પરંતુ નાશિક આવતા પ્રવાસીઓ આ મહાન બલિદાનની ગાથાથી પણ માહિતગાર થશે અને સ્થાનિક ધાર્મિક પ્રવાસનને મોટો વેગ મળશે.

(7:14 PM IST)