તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
તહેવારો પહેલા પાવર સેક્ટર માટે રાહત: કોલ ઈન્ડિયાએ બીજા ત્રિમાસિક ગાળામાં કોલસાના પુરવઠામાં ૧૧ ટકાનો મોટો ઉછાળો નોંધાવ્યો!
જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન પાવર પ્લાન્ટ્સને ૧૪.૮૨ કરોડ ટન કોલસો પૂરો પાડવામાં આવ્યો: ચોમાસાની માઠી અસર વચ્ચે પણ થર્મલ પાવર ક્ષેત્રે ઊર્જાની અછત નિવારવા કંપનીનો માસ્ટરપ્લાન

નવી દિલ્હી : આગામી તહેવારોની મોસમમાં દેશભરમાં વીજળીની વધતી જતી માગને પહોંચી વળવા માટે જાહેર ક્ષેત્રની અગ્રણી કંપની 'કોલ ઈન્ડિયા લિમિટેડ' (CIL) એ મોટી સફળતા મેળવી છે. વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં (જુલાઈથી સપ્ટેમ્બર) કંપનીએ પાવર ક્ષેત્રના એકમોને પૂરા પાડવામાં આવતા કોલસાના પુરવઠામાં ૧૧.૦૧ ટકાનો જંગી વધારો નોંધાવ્યો છે. ગત વર્ષના સમાન ગાળાના ૧૩.૩૫ કરોડ ટનની સરખામણીએ આ વર્ષે પુરવઠો વધીને ૧૪.૮૨ કરોડ ટનની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો છે.
તહેવારોમાં વીજળીનો સંકટ નહીં સર્જાય: સ્ટોક પૂરતો ઉપલબ્ધ
કંપની દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ, તહેવારો દરમિયાન વીજળીની માગમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. તેને ધ્યાનમાં રાખીને થર્મલ પાવર એકમો પાસે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં કંપનીએ તેના સ્ટોકમાંથી આશરે ૬.૩ કરોડ ટન કોલસો જારી કર્યો છે. હાલમાં પણ કંપની પાસે ૬.૭ કરોડ ટનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, જે આગામી મહિનાઓમાં પાવર સેક્ટરની માગને પહોંચી વળવા માટે સક્ષમ છે.
સપ્ટેમ્બર મહિનામાં ડિસ્પેચ અને પ્રોડક્શનમાં રેકોર્ડ વૃદ્ધિ
દેશના કુલ કોલસા ઉત્પાદનમાં ૮૦ ટકાથી વધુ હિસ્સો ધરાવતી કોલ ઈન્ડિયાએ સપ્ટેમ્બર ૨૦૨૬ માં ૬.૧૨ કરોડ ટન કોલસાનું રવાનગી (ડિસ્પેચ) કર્યું હતું, જે ગયા વર્ષના સપ્ટેમ્બરના ૫.૪૪ કરોડ ટન સામે ૧૨.૫૦ ટકા વધુ છે. ઉત્પાદનની વાત કરીએ તો, સપ્ટેમ્બર મહિનામાં ઉત્પાદન ૯.૧૮ ટકા વધીને ૫.૩૫ કરોડ ટન થયું છે. સમગ્ર બીજા ત્રિમાસિક ગાળામાં ઉત્પાદન ૩.૮૧ ટકા વધીને ૧૫.૧૩ કરોડ ટને પહોંચ્યું છે. ચોમાસુ પૂર્ણ થતાં હવે ઉત્પાદન અને પુરવઠામાં વધુ વેગ આવશે.
દેશમાં કોલસાની કોઈ અછત નથી: કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી
કેન્દ્રીય કોલસા મંત્રી જી. કિશન રેડ્ડીએ સ્પષ્ટતા કરી છે કે દેશમાં કોલસાની કોઈ અછત નથી. હાઈડ્રોપાવર જનરેશનમાં ઘટાડો થવાને કારણે થર્મલ પાવરની માગમાં ૧૨ થી ૧૫ ટકાનો ઉછાળો આવ્યો હતો, તેમ છતાં રેલ્વે રેક અને રોડ માર્ગે પુરવઠો સતત પહોંચાડવામાં આવી રહ્યો છે. ચોમાસાના કારણે કામચલાઉ ધોરણે સર્જાયેલા અવરોધને 'અછત' ગણી શકાય નહીં. નાણાકીય વર્ષ માટે કંપનીને ૮૧.૫ કરોડ ટન ઉત્પાદન અને ૮૫ કરોડ ટન ડિસ્પેચનો લક્ષ્યાંક સોંપવામાં આવ્યો છે, જેને પૂરો કરવા કંપની સજ્જ છે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
