તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
ગેસ ગ્રાહકો માટે રાહતના સમાચાર: સરકારે હટાવ્યા કટોકટીના નિયંત્રણો, હવે ગેસ સપ્લાય થશે સામાન્ય
મધ્ય પૂર્વમાં સ્થિતિ સુધરતા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ગેસ ઉત્પાદન અને વિતરણ પરથી સરકારી અંકુશ હટાવતા ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને મળશે મોટી રાહત

નવી દિલ્હી:મધ્ય પૂર્વમાં સર્જાયેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટના અવરોધને પગલે માર્ચ 2026 થી દેશમાં લાગુ કરાયેલા કટોકટીપૂર્ણ કુદરતી ગેસ સપ્લાય નિયંત્રણોને કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે હટાવી લીધા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા 4 જુલાઈ, 2026 ના રોજ જારી કરાયેલા નવા આદેશ મુજબ, ગેસના ઉત્પાદન, ફાળવણી અને વિતરણ પરના સરકારી નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે, જેનાથી હવે તમામ ક્ષેત્રો અને પ્રદેશોમાં ગેસનો પુરવઠો પૂર્વવત અને મુક્તપણે ઉપલબ્ધ બનશે.
દેશમાં જ્યારે યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના પુરવઠામાં વિક્ષેપ સર્જાયો હતો, ત્યારે સરકારે 9 માર્ચ, 2026 ના રોજ ‘કુદરતી ગેસ (પુરવઠા નિયમન) આદેશ’ અમલી બનાવ્યો હતો. આ કટોકટીના સમયમાં વીજળી અને ખાતર જેવા આવશ્યક ક્ષેત્રોને પ્રાધાન્ય આપીને સપ્લાય ચેઈન જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, હવે આંતરરાષ્ટ્રીય સ્તરે હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ સેવાઓ ફરી શરૂ થતા અને સ્થિતિ સામાન્ય બનતા સરકારે આ કડક જોગવાઈઓ પાછી ખેંચી લીધી છે.
ગેસ પુરવઠા પરના નિયંત્રણો દૂર થવાથી ઘરેલુ વપરાશકર્તાઓ સહિત ઔદ્યોગિક એકમોને મોટી રાહત મળશે. અગાઉ ગેસની અછતને લીધે પુરવઠા પર જે મર્યાદાઓ હતી તે હવે સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે, જેનાથી ગેસ ઉત્પાદન અને વિતરણમાં હવે કોઈ બાધ રહેશે નહીં. સરકારના આ પગલાને આર્થિક ગતિવિધિઓને વેગ આપવા માટેના એક મહત્વપૂર્ણ આદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.
જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે ભવિષ્યમાં જો ફરી ક્યારેય આવી કટોકટી સર્જાશે તો કડક નિયંત્રણો પુનઃ લાગુ કરવામાં આવી શકે છે. આથી, સરકારે નાગરિકોને ગેસનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. હાલમાં ગેસ પુરવઠો સામાન્ય થતા, સરકાર આગામી સમયમાં માર્કેટમાં ગેસની ઉપલબ્ધતા અને વપરાશ પર સતત નજર રાખશે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
