News of Friday, 3rd July 2026
દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે રાહતના સમાચાર: હવે ઘરે બેઠા મેળવો સબસીડી, સરકારે લોન્ચ કર્યું નવું ઓનલાઇન પોર્ટલ
વાહન રજિસ્ટ્રેશનના ૩૦ દિવસમાં અરજી કરવી રહેશે ફરજિયાત: સફળ વેરીફિકેશન બાદ ૬૦ દિવસમાં સીધી બેંક ખાતામાં જમા થશે પ્રોત્સાહન રાશિ

નવી દિલ્હી: દિલ્હી સરકાર દ્વારા પ્રદૂષણ મુક્ત રાજધાની બનાવવાના લક્ષ્યાંક સાથે ઇલેક્ટ્રિક વાહનો (EV)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સત્તાવાર રીતે ‘દિલ્હી ઇલેક્ટ્રિક વ્હીકલ સબસીડી પોર્ટલ’ (evsubsidy.delhi.gov.in) લોન્ચ કર્યું છે, જેનાથી હવે ઇલેક્ટ્રિક વાહન ખરીદનારા નાગરિકોએ સબસીડી માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે.
ઘરે બેઠા મળશે લાભ
નવી ‘દિલ્હી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી ૨૦૨૬’ હેઠળ, ગ્રાહકો હવે ઓનલાઇન પોર્ટલ પર જઈને પોતાની રીતે સબસીડી માટે અરજી કરી શકશે. અગાઉ આ પ્રક્રિયામાં વાહન ડીલરોની મદદ લેવી પડતી હતી, પરંતુ હવે પારદર્શિતા વધારવા માટે આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. જે નાગરિકો નવું ઇલેક્ટ્રિક વાહન ખરીદશે, તેઓ પોર્ટલ પર લોગિન કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે.
૩૦ દિવસનો નિયમ અને ૬૦ દિવસમાં સબસીડી
સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વાહનનું રજિસ્ટ્રેશન (RC) બન્યાના ૩૦ દિવસની અંદર જ અરજદારે પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી દેવી પડશે. જો સમયમર્યાદામાં અરજી નહીં કરવામાં આવે, તો ગ્રાહક સબસીડીના લાભથી વંચિત રહી શકે છે. અરજી મંજૂર થયા પછી, નિર્ધારિત સબસીડીની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા અરજદારના આધાર કાર્ડ સાથે જોડાયેલા બેંક ખાતામાં આગામી ૬૦ દિવસની અંદર જમા કરી દેવામાં આવશે.
કેટલી મળશે સહાય?
આ પોલિસી હેઠળ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદનારાઓને ₹૩૦,૦૦૦, થ્રી-વ્હીલર માટે ₹૫૦,૦૦૦ અને N1 કેટેગરીના હળવા કોમર્શિયલ વાહનો માટે ₹૧ લાખ સુધીની સબસીડીની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, જૂના વાહનોને સ્ક્રેપ કરાવવા પર પણ અલગથી પ્રોત્સાહન આપવામાં આવશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ઇલેક્ટ્રિક વાહનોને સામાન્ય નાગરિકો માટે વધુ સસ્તું અને સુલભ બનાવવાનો છે, જેથી પરંપરાગત ઇંધણ સંચાલિત વાહનો પરની નિર્ભરતા ઘટાડી શકાય અને દિલ્હીના વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
