News of Monday, 16th November 2026
કર્ણાટકમાં રિલાયન્સનો કેમ્પા કોલાનો વિશાળ પ્લાન્ટ: રિલાયન્સ ગ્રૂપ કર્ણાટકના વિજયપુરામાં કેમ્પા કોલાના ઉત્પાદન માટે રૂપિયા ૧,૬૦૦ કરોડનું રોકાણ કરશે : ૧૦૯ એકરમાં વિશાળ પ્લાન્ટ, બે હજાર લોકોને સીધી અને ત્રણ હજારથી વધુ લોકોને પરોક્ષ રોજગારી મળવાની આશા
ઉદ્યોગમંત્રી એમ.બી. પાટીલના હસ્તે પ્લાન્ટનું ખાતમુહૂર્ત : જમીન આપનારા પરિવારો અને સ્થાનિક યુવાનોને નોકરીમાં પ્રાથમિકતા આપવા સૂચન

બેંગલુરુ : રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ દ્વારા કર્ણાટકના વિજયપુરા જિલ્લાના મુલવાડ ઔદ્યોગિક વિસ્તારમાં રૂપિયા ૧,૬૦૦ કરોડના ખર્ચે કેમ્પા કોલાનું વિશાળ પીણાં ઉત્પાદન એકમ સ્થાપવામાં આવશે. રાજ્યના ઉદ્યોગમંત્રી એમ.બી. પાટીલે આજે આ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.
કુલ ૧૦૯ એકર જમીન ઉપર તૈયાર થનારા એકમથી આશરે બે હજાર લોકોને સીધી અને ત્રણ હજારથી વધુ લોકોને પરોક્ષ રોજગારી મળવાની ધારણા છે. પાટીલે જણાવ્યું હતું કે વિજયપુરામાં મોટા ઉદ્યોગો લાવી ઓછામાં ઓછી દસ હજાર સીધી રોજગારી ઊભી કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.
મંત્રીએ રિલાયન્સના સંચાલકોને જમીન ગુમાવનારા પરિવારોને નોકરીમાં પ્રથમ પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. ત્યારબાદ પ્લાન્ટથી ૨૫ કિલોમીટરની અંદર રહેતા લાયક ઉમેદવારો અને જિલ્લાના અન્ય યુવાનોને તક આપવાની સૂચના આપવામાં આવી હતી.
વિજયપુરા જિલ્લામાં દાડમ, લીંબુ અને દ્રાક્ષનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતું હોવાથી ભવિષ્યમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળી શકે છે. રાજ્ય સરકાર અન્ય વીસથી વધુ કંપનીઓ સાથે રોકાણ અંગે ચર્ચા કરી રહી હોવાનું પાટીલે જણાવ્યું હતું.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
