News of Sunday, 26th April 2026
પરિણીત પ્રેમી સાથેનો સંબંધ બળાત્કાર નથી: છત્તીસગઢ હાઈકોર્ટે છેતરપિંડીના ગંભીર આક્ષેપો વચ્ચે આપ્યો સીમાચિહ્નરૂપ ચુકાદો
પુરુષ પરિણીત હોવાની જાણકારી હોવા છતાં બાંધેલા સંબંધોમાં 'લગ્નની લાલચ'નો દાવો અમાન્ય, બિલાસપુર હાઈકોર્ટે નીચલી અદાલતના નિર્ણયને રાખ્યો યથાવત અને મહિલાની અપીલ ફગાવતા સ્પષ્ટ કર્યું કે છેતરપિંડીના પૂરાવા વગર અનાચારનો ગુનો ટકી શકે નહીં

બિલાસપુર:છત્તીસગઢની બિલાસપુર હાઈકોર્ટે પરિણીત પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ કાયદાકીય અવલોકન કર્યું છે. જસ્ટિસ સંજય એસ. અગ્રવાલની સિંગલ બેન્ચે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, જો કોઈ મહિલાને પહેલેથી જ ખબર હોય કે જે પુરુષ સાથે તે સંબંધમાં છે તે પરિણીત છે, તો તે પછીથી લગ્નના ખોટા બહાને શારીરિક શોષણ અથવા છેતરપિંડીનો આરોપ લગાવી શકતી નથી. અદાલતે સ્પષ્ટ કર્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 493 હેઠળ ગુનો ત્યારે જ બને છે જ્યારે પુરુષ સ્ત્રીને કપટપૂર્વક એવું માનવા મજબૂર કરે કે તે તેની કાયદેસરની પત્ની છે. આ કિસ્સામાં મહિલાને સત્યની જાણ હોવાથી કોર્ટે આરોપી પુરુષને નિર્દોષ જાહેર કર્યો છે.
આ કેસની વિગતો મુજબ, ડોંગરગઢની એક મહિલાએ મહેશ નામના વ્યક્તિ સામે છેતરપિંડી અને અનાચારની ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો દાવો હતો કે તેઓએ 2008માં લગ્ન કર્યા હતા અને 2009માં કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ પતિ-પત્ની તરીકે રહેતા હતા. મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેણે વિવિધ પ્રવાસો પાછળ ₹85,000 ખર્ચ્યા હતા અને જ્યારે તેણે વધુ નાણાં આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. નીચલી અદાલતે આ પુરાવાઓને અપૂરતા ગણીને અરજી ફગાવી દીધી હતી, જેની સામે મહિલાએ પોતે હાઈકોર્ટમાં દલીલો રજૂ કરી હતી. જોકે, હાઈકોર્ટે તમામ પાસાઓની તપાસ કર્યા બાદ નીચલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કાયદાના રક્ષણ અને દુરુપયોગ વચ્ચેની પાતળી રેખા સ્પષ્ટ કરી છે. કોર્ટે નોંધ્યું કે જ્યારે બંને પક્ષો જાણતા હોય કે કાયદેસરના લગ્ન શક્ય નથી અથવા પુરુષ અન્ય સ્ત્રી સાથે લગ્નગ્રંથિથી જોડાયેલો છે, ત્યારે સહમતિથી બાંધેલા સંબંધોને પાછળથી ગુનાહિત સ્વરૂપ આપી શકાય નહીં. આ ચુકાદો એવા કિસ્સાઓમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે જ્યાં લગ્નના વચનના નામે બળાત્કારના કેસો દાખલ કરવામાં આવે છે. અદાલતે મહિલાની અપીલને પાયાવિહોણી ગણીને તેને રદ કરી દીધી છે અને સામાજિક તેમજ કાયદાકીય મર્યાદાઓનું પાલન કરવા પર ભાર મૂક્યો છે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
