<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

નવી દિલ્હી રેલ્વે સ્ટેશનનો કાયાકલ્પ: હવે મુસાફરોને મળશે એરપોર્ટ જેવી લક્ઝરી અને હાઈટેક સુવિધાઓ

5 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ, 20 માળના આઈકોનિક ટાવર્સ અને સીમલેસ મલ્ટી-મોડલ કનેક્ટિવિટી સાથે દેશનું સૌથી વ્યસ્ત સ્ટેશન વિશ્વકક્ષાના ટ્રાન્સપોર્ટ હબમાં ફેરવાશે: ટ્રાફિકની સમસ્યાનો આવશે કાયમી અંત

નવી દિલ્હી: રાજધાનીનું હૃદય ગણાતું નવી દિલ્હી રેલ્વે સ્ટેશન હવે માત્ર ટ્રેન પકડવાનું સ્થળ નહીં, પણ એક આધુનિક લેન્ડમાર્ક બનવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ 5 કિલોમીટર લાંબો 'એરબોર્ન રોડ' છે, જે મુસાફરોને સીધા જ સ્ટેશનના એન્ટ્રી પોઈન્ટ સુધી પહોંચાડશે. આ એલિવેટેડ રસ્તાને કારણે કનોટ પ્લેસ અને આસપાસના વિસ્તારોમાં થતી ટ્રાફિકની કકળાટમાંથી મુક્તિ મળશે. સ્ટેશનની બંને બાજુએ એરપોર્ટ જેવા 'એપ્રોન' વિસ્તારો બનાવવામાં આવશે, જેથી વાહનોનું આવાગમન અત્યંત સરળ બનશે અને મુસાફરોએ ભીડમાં ફસાવવું નહીં પડે.

સ્ટેશનના આકાશને આંબતા ફેરફારોમાં 20 માળના આઈકોનિક ટાવર્સનો સમાવેશ થાય છે, જે દિલ્હીની નવી ઓળખ બનશે. આ ઈમારતોમાં પ્રીમિયમ પાર્કિંગ, આધુનિક વેઈટિંગ લોન્જ અને મોટા રિટેલ શોપિંગ સેન્ટરો વિકસાવવામાં આવશે. સ્ટેશનની અંદર એક વિશાળ 'એર કોનકોર્સ' બનાવવાની યોજના છે, જ્યાં મુસાફરોને ટ્રેનની રાહ જોતી વખતે એરપોર્ટ લાઉન્જ જેવો આરામદાયક અનુભવ મળશે. કુદરતી પ્રકાશ અને વેન્ટિલેશનનો મહત્તમ ઉપયોગ કરીને આ આખા માળખાને ઈકો-ફ્રેન્ડલી અને એનર્જી-એફિશિયન્ટ બનાવવામાં આવશે.

ભીડના વ્યવસ્થાપન માટે અહીં ભૂગર્ભ સબવે અને મલ્ટી-મોડલ હબની વિશેષ સુવિધા હશે. મુસાફરો ટ્રેનમાંથી ઉતરીને સીધા જ ગ્રાઉન્ડ લેવલ પર ગયા વિના મેટ્રો, બસ કે ટેક્સી સ્ટેન્ડ સુધી પહોંચી શકશે. આગમન અને પ્રસ્થાન  માટે અલગ-અલગ રસ્તાઓ હોવાથી મુસાફરોનો સામસામે ભેટો નહીં થાય, જેનાથી અરાજકતા ઘટશે. આ પરિવર્તન પછી નવી દિલ્હી રેલ્વે સ્ટેશન માત્ર ભારતનું જ નહીં, પણ વિશ્વના શ્રેષ્ઠ પરિવહન કેન્દ્રોમાં સ્થાન પામશે.

(7:40 PM IST)