તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
કેનેડામાં શરણાર્થીઓ પર કાયદાકીય ગાજ: 30,000 અરજીઓ રદ થવાની ભીતિ, હજારો લોકોને દેશ છોડવા ફરમાન
બિલ C-12 હેઠળ ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર; એક વર્ષથી વધુ સમયથી રહેતા અરજદારોની મુશ્કેલી વધી, માત્ર 21 દિવસમાં પુરાવા રજૂ કરવા અલ્ટિમેટમ

ઓટાવા: તા.14 કેનેડા જઈને સ્થાયી થવાના સપના જોતા હજારો લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગે (IRCC) નવા કાયદા હેઠળ આશરે 30,000 શરણાર્થી દાવાઓને અયોગ્ય જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બિલ C-12 ના અમલીકરણ સાથે, સરકારે શરણાર્થી તરીકે આશ્રય મેળવવાના નિયમો અત્યંત કડક બનાવ્યા છે, જેના કારણે લાંબા સમયથી કેનેડામાં રહેતા અરજદારો પર હવે દેશનિકાલની તલવાર લટકી રહી છે.
શું છે નવો નિયમ?
કેનેડા સરકારના નવા બિલ C-12 મુજબ, જો કોઈ વ્યક્તિ કેનેડામાં પ્રવેશ્યાના એક વર્ષ બાદ શરણાર્થી દાવા (Refugee Claims) માટે અરજી કરે છે, તો તેને આ પ્રક્રિયા માટે અપાત્ર ગણવામાં આવશે. આ નિયમ પૂર્વવર્તી અસરો સાથે લાગુ કરવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે 24 જૂન, 2020 પછી દેશમાં આવેલા અને જૂન 2025 સુધીમાં અરજી કરનારા તમામ લોકો આ કાયદાના દાયરામાં આવશે.
21 દિવસની 'ડેડલાઇન' અને દેશનિકાલની નોટિસ
ઇમિગ્રેશન વિભાગે અસરગ્રસ્તોને 'પ્રોસિજરલ ફેરનેસ લેટર્સ' મોકલવાનું શરૂ કર્યું છે. આ પત્ર મેળવનાર વ્યક્તિએ માત્ર 21 દિવસની અંદર સાબિત કરવું પડશે કે તેઓ કેમ આશ્રય મેળવવા માટે લાયક છે. જો તેઓ સંતોષકારક પુરાવા આપવામાં નિષ્ફળ જશે, તો તેમની અરજી કાયમી ધોરણે રદ થઈ જશે.
ચોંકાવનારી વાત એ છે કે, ઘણા અરજદારોને સીધી સૂચના આપવામાં આવી છે કે તેઓ વહેલી તકે કેનેડા છોડી દે. પત્રમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે, "તમારે શક્ય તેટલી વહેલી તકે કેનેડા છોડવું જોઈએ, જો તમે પાલન નહીં કરો તો દેશનિકાલનો આદેશ (Deportation Order) જારી કરવામાં આવશે."
માનવતાવાદી અભિગમ કે કડક વલણ?
ઇમિગ્રેશન વિભાગના જણાવ્યા અનુસાર, જે લોકોના દાવા અસ્વીકાર કરવામાં આવ્યા છે તેઓ હજુ પણ 'પ્રી-રિમૂવલ રિસ્ક એસેસમેન્ટ' (PRRA) માટે વિનંતી કરી શકે છે. આ પ્રક્રિયામાં અધિકારીઓ તપાસશે કે જો તે વ્યક્તિને તેના વતનમાં પાછી મોકલવામાં આવે, તો ત્યાં તેના જીવને કોઈ જોખમ છે કે નહીં.
કેનેડાની આ આક્રમક નીતિને કારણે અત્યારે ત્યાં રહેતા હજારો વિદેશી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. ઇમિગ્રેશન એક્સપર્ટ્સનું માનવું છે કે કેનેડા હવે તેની શરણાર્થી વ્યવસ્થા પરનો બોજ ઘટાડવા અને લાયક લોકોને જ સ્થાન આપવા માટે આકરા પગલાં ભરી રહ્યું છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
