News of Sunday, 18th October 2026
ખાદ્યપદાર્થોમાં કેમિકલ કલરના બેફામ ઉપયોગ સામે લાલઆંખ: UP સરકારે ફૂડ વેપારીઓ માટે જારી કરી કડક માર્ગદર્શિકા
મોમો, ચટણી અને તંદૂરી વાનગીઓમાં અખાદ્ય રંગો વાપરવા પર પ્રતિબંધ: ડિજિટલ સ્કેલ વગર કલર ઉમેરી શકાશે નહીં

લખનૌ: ઉત્તર પ્રદેશના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મીઠાઈઓ, નાસ્તા, મોમો, ચટણીઓ, બેકરી ઉત્પાદનો અને વિવિધ ખાદ્ય પદાર્થોમાં આકર્ષક રંગો આપવા માટે રાસાયણિક કલરિંગ એજન્ટોના થતા બેફામ અને મનસ્વી ઉપયોગને રોકવા માટે ફૂડ વેપારીઓ માટે કડક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર ડૉ. રોશન જેકબ દ્વારા જારી કરાયેલ સુચનાઓ મુજબ, ખાદ્ય પદાર્થોમાં સંબંધિત ખાદ્ય શ્રેણી માટે મંજૂર કરાયેલ કૃત્રિમ અથવા કુદરતી કલરિંગ એજન્ટોનો જ નિયત મર્યાદામાં ઉપયોગ કરી શકાશે. આ માર્ગદર્શિકા ખાદ્ય ઉત્પાદકો, કન્ફેક્શનર્સ, હોટેલ-રેસ્ટોરન્ટ માલિકો, બેકરી સંસ્થાઓ, ઢાબા સંચાલકો અને સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને લાગુ પડશે, જેનું વ્યાપક પ્રસારણ વેપાર મંડળો અને પ્રાદેશિક બેઠકો દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે.
માર્ગદર્શિકામાં ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ અને ઢાબામાં વપરાતા રંગો અંગે સાવધાની રાખવા જણાવાયું છે. સમોસા, ચાટ, મોમો અને રોલ સાથે પીરસવામાં આવતી ચટણીઓમાં રાસાયણિક રંગોને બદલે ટામેટાં, બીટ, ધાણા અને ફુદીના જેવા કુદરતી ઘટકો વાપરવા ભલામણ કરાઈ છે. કોટન કેન્ડી અને બરફના ગોળામાં 'રોડામાઇન બી' જેવા અખાદ્ય રંગો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત, ચિકન ટિક્કા, કબાબ અને તળેલી માછલી જેવી તંદૂરી વાનગીઓમાં કેમિકલ રંગોના બદલે કાશ્મીરી લાલ મરચું, દેગી મરચું કે પૅપ્રિકા અર્ક વાપરવા સૂચના અપાઈ છે. વેપારીઓને અંદાજ કે ચમચીથી કલર ઉમેરવાને બદલે ડિજિટલ વજન માપન સ્કેલનો ઉપયોગ કરવા કડક આદેશ અપાયો છે, અને જો ચોક્કસ માપન સુવિધા ન હોય તો ફૂડ કલરનો ઉપયોગ જ ન કરવા સ્પષ્ટ જણાવાયું છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
