<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

નેપાળમાં બાલેન સરકાર સામે બળવોઃ વડાપ્રધાન શાહ મુશ્‍કેલીમાં વિદ્યાર્થીઓ રસ્‍તા પર ઉતર્યા

ભારતથી આવતા માલ પરની કસ્‍ટમ ડ્‍યુટી અને ભ્રષ્ટાચારના આરોપોએ સરકારની ઊંઘ હરામ કરી : માત્ર એક મહિનાના શાસનમાં જનતાનો રોષ સાતમા આસમાને

કાઠમંડુ, તા.૨૨: નેપાળના ઈતિહાસમાં સૌથી યુવા વડાપ્રધાન તરીકે શપથ લેનાર બાલેન્‍દ્ર શાહ માટે સત્તાના સિંહાસન પર બેસતાની સાથે જ કાંટાની પથારી જેવી સ્‍થિતિ સર્જાઈ છે. વડાપ્રધાન બન્‍યાને હજુ એક મહિનો પણ પૂરો થયો નથી ત્‍યાં તો આખા દેશમાં તેમની સરકાર વિરુદ્ધ વિરોધના વંટોળ ફૂંકાયા છે. કાઠમંડુના રસ્‍તાઓ અત્‍યારે વિદ્યાર્થી સંગઠનો અને સામાન્‍ય નાગરિકોના સૂત્રોચ્‍ચારથી ગુંજી રહ્યા છે. વહીવટી કેન્‍દ્ર સિંહ દરબાર સુધી પહોંચેલા આ આક્રોશે સ્‍પષ્ટ કરી દીધું છે કે જનતા હવે સરકારના કડક નિર્ણયોને સહન કરવાના મૂડમાં નથી.

વિરોધ પ્રદર્શનનું સૌથી મોટું અને મુખ્‍ય કારણ ભારતમાંથી આયાત થતા સામાન પર લાદવામાં આવેલી નવી કસ્‍ટમ ડ્‍યુટી છે. બાલેન સરકારે ભારતથી આવતા રૂ.૧૦૦ થી વધુની કિંમતના સામાન પર ટેક્‍સ વસૂલવાનો જે નિર્ણય લીધો છે, તેનાથી સરહદી વિસ્‍તારોમાં રહેતા લોકોમાં ભારે નારાજગી છે. નેપાળના લોકો તેમની રોજિંદી જરૂરિયાતો માટે મોટાભાગે ભારતીય બજારો પર નિર્ભર હોય છે. આ નવા નિયમને કારણે સામાન્‍ય જીવન જરૂરિયાતની ચીજો મોંઘી થઈ ગઈ છે, જેનાથી લોકોના ખિસ્‍સા પર સીધો બોજ પડ્‍યો છે. લોકોનો આરોપ છે કે સરકાર જમીની વાસ્‍તવિકતા ભૂલીને માત્ર આંકડાઓની રમત રમી રહી છે.

બીજી તરફ, નેપાળમાં વિદ્યાર્થી સંગઠનો પણ સરકારની નીતિઓ સામે રણશિંગુ ફૂંકી રહ્યા છે. ગળહમંત્રી સામે લાગેલા ગંભીર આરોપો અને સરકારના અક્કડ વલણને કારણે યુવા વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો સરકાર આ જનવિરોધી નિર્ણયો પાછા નહીં ખેંચે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. જે આશા અને ઉત્‍સાહ સાથે યુવાઓએ બાલેન શાહને સત્તા સોંપી હતી, તે હવે ધીરે ધીરે નિરાશામાં ફેરવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે રેપર માંથી રાજનેતા બનેલા બાલેન શાહ આ રાજકીય તોફાનને કેવી રીતે શાંત પાડે છે.

(3:12 PM IST)