તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
કાનપુરમાં રિયલ લાઇફ 'વિવાહ' ફિલ્મ: લગ્ન મંડપમાં આગ લાગતા કન્યા હોસ્પિટલના બર્ન વોર્ડ પહોંચી, વરરાજાએ ત્યાં જ મંડપ સજાવી સળગી ગયેલી શ્વેતા સાથે સાત ફેરા લીધા!
મહેંદી સમારોહ દરમિયાન ગેસ લીકેજથી સર્જાયો હતો ભયાનક અકસ્માત, દુલ્હન સહિત 12 સંબંધીઓ દાઝ્યા; પરિવારે લગ્ન અટકાવવા કહ્યું પણ વરરાજા વિકાસે હોસ્પિટલના બેડ પર જ સિંદૂર પૂર્યું

કાનપુર: તમે બોલિવૂડની સુપરહિટ ફિલ્મ 'વિવાહ' ચોક્કસ જોઈ હશે, જેમાં લગ્નની શરણાઈઓ વાગે તે પહેલાં જ કન્યા પૂનમ (અમૃતા રાવ) આગની દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જાય છે અને હીરો પ્રેમ (શાહિદ કપૂર) તમામ બંધનો તોડીને હોસ્પિટલમાં જ તેની સાથે લગ્ન કરે છે. આ ફિલ્મી દ્રશ્ય હકીકતમાં જીવંત થઈને ઉત્તર પ્રદેશના કાનપુરમાં સામે આવ્યું છે. કાનપુરના ઘાટમપુર વિસ્તારમાં લગ્નની ખુશીઓ પલભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી, પરંતુ વરરાજાએ લીધેલા એક વચન અને અદભુત નિર્ણયે માનવતા અને સાચા પ્રેમની એક એવી મિસાલ કાયમ કરી છે જેણે આખા દેશને રડાવી દીધો છે.
મહેંદીની વિધિ વચ્ચે ઉકળતા તેલની બની દુર્ઘટના
ઘટનાની વિગતો મુજબ, ઘાટમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જગન્નાથપુર ગામના રહેવાસી જગદીશની પુત્રી શ્વેતાના લગ્ન ગુરુવારે લેવાયા હતા. બુધવારે મોડી સાંજે ઘરમાં મહેંદી અને સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જ્યાં સંબંધીઓ અને મહેમાનો ઝૂમી રહ્યા હતા. બીજી તરફ હસતા-રમતા માહોલ વચ્ચે રસોડામાં મહેમાનો માટે ભોજન તૈયાર થઈ રહ્યું હતું. આ દરમિયાન અચાનક ગેસ સિલિન્ડરની પાઇપમાં લીકેજ થવાના કારણે ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ ઓલવવાની દોડધામમાં ચૂલા પર મૂકેલું ઉકળતા તેલનું મોટું તપેલું પલટી ગયું, જેના કારણે કન્યા શ્વેતા સહિત આસપાસ ઉભેલા ૧૨ સંબંધીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.
લગ્ન અટકાવવાની સલાહ ફગાવી વરરાજા હોસ્પિટલ દોડ્યો
આ અકસ્માત બાદ લગ્નનું ઘર ચીસાચીસથી ગુંજી ઉઠ્યું હતું. તમામ ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. દુલ્હન શ્વેતાની હાલત વધુ નાજુક હોવાથી તેને જાજમાઉની સ્પેશિયાલિસ્ટ 'મિશિકા હોસ્પિટલ' ના બર્ન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. આ અકસ્માતની જાણ થતાં જ વરરાજા વિકાસ સિંહ પોતાના પરિવાર સાથે લગ્નની શેરવાની પહેરવાને બદલે હોસ્પિટલ તરફ દોડ્યો હતો. પરિસ્થિતિ ગંભીર જોઈને વિકાસના પરિવારે લગ્ન મુલતવી રાખવાની અથવા સંબંધ તોડી નાખવાની સલાહ આપી, પરંતુ સાચા પ્રેમી એવા વિકાસે સ્પષ્ટ કહી દીધું કે, "હું સુખમાં જેનો હાથ પકડવાનો હતો, દુઃખના આ સમયે તેનો સાથ કેવી રીતે છોડી શકું? હું લગ્ન કરીશ તો અત્યારે જ અને શ્વેતા સાથે જ કરીશ."
બર્ન વોર્ડ બન્યો લગ્ન મંડપ, દરેકની આંખો ભીની થઈ
બંને પરિવારો અને હોસ્પિટલ પ્રશાસનની ખાસ પરવાનગી મેળવ્યા બાદ, હોસ્પિટલના બર્ન વોર્ડને જ ફૂલો અને માળાઓથી સજાવીને પવિત્ર મંડપનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ડૉક્ટરો અને નર્સોની હાજરીમાં, હોસ્પિટલના પલંગ પર પાટાપીંડી સાથે સૂતેલી શ્વેતાની બાજુમાં બેસીને વિકાસે લગ્નની તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી હતી.
વિકાસે અગ્નિને સાક્ષી માનીને શ્વેતાના કપાળમાં સિંદૂર પૂર્યું અને તેને પોતાની અર્ધાંગિની તરીકે સ્વીકારી લીધી. હોસ્પિટલના રૂમમાં સર્જાયેલા આ અત્યંત ભાવોદ્વેગ અને અશ્રુભીના દ્રશ્યને જોઈને ત્યાં હાજર ડૉક્ટરો, સ્ટાફ અને બંને પક્ષના વાલીઓ પોતાના આંસુ રોકી શક્યા નહોતા. સોશિયલ મીડિયા પર આ અનોખા લગ્નની તસવીરો વાયરલ થતાં જ લોકો વરરાજા વિકાસ સિંહની વફાદારી અને સાચા પ્રેમને સલામ કરી રહ્યા છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
