<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

RCBના ફેન્સ સાથે છેતરપિંડી: ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કેન્ટીન સ્ટાફ જ વેચતો હતો બ્લેકમાં ટિકિટ, 17.5 લાખના કૌભાંડનો પર્દાફાશ

181 ટિકિટો 15 થી 19 હજારના તોતિંગ ભાવે વેચી મારી; કેન્ટીન કર્મચારીની ધરપકડ બાદ KSCA ના સભ્યનું નામ ખુલતા ખળભળાટ, માસ્ટરમાઇન્ડ હજુ ફરાર

બેંગલુરુ: આઈપીએલ (IPL) ના ક્રેઝ વચ્ચે ટિકિટ માટે વલખાં મારતા ક્રિકેટ પ્રેમીઓનો ફાયદો ઉઠાવતું એક મોટું કૌભાંડ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામે આવ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના હોમ ગ્રાઉન્ડ પર કેન્ટીન સ્ટાફ તરીકે કામ કરતા એક શખ્સની 17.5 લાખ રૂપિયાની કિંમતની ટિકિટો બ્લેકમાં વેચવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ સ્ટેડિયમની સુરક્ષા અને આંતરિક વહીવટ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
કેન્ટીન સ્ટાફ જ નીકળ્યો કૌભાંડી
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ચંદ્રશેખર તરીકે થઈ છે. તપાસમાં બહાર આવ્યું છે કે બુધવારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની RCBની મેચ દરમિયાન, ચંદ્રશેખરે કુલ 181 ટિકિટો ગેરકાયદેસર રીતે બ્લેક માર્કેટમાં વેચી હતી. જે ટિકિટોની મૂળ કિંમત ઓછી હતી, તેને આરોપીએ ગરજવાન ફેન્સને 15,000 થી 19,000 રૂપિયાના તોતિંગ ભાવે પધરાવી દીધી હતી.
કોર્પોરેટ નામોનો દુરુપયોગ
બેંગલુરુ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલી છે. આ ટિકિટો ઓનલાઈન પ્લેટફોર્મ 'ટિકિટજેની' પરથી વિવિધ કોર્પોરેટ કંપનીઓ જેમ કે 'સ્વસ્તિક હેવી એન્જિનિયરિંગ' અને 'ધરણી કમ્પ્યુટર્સ' ના નામે જથ્થાબંધ ખરીદવામાં આવી હતી. અગાઉ RCB અને CSK વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાં પણ આ જ રીતે 6.6 લાખની ટિકિટો બ્લેક કરવામાં આવી હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું છે.
આંતરિક સંડોવણી અને મુખ્ય સૂત્રધાર ફરાર
પોલીસ પૂછપરછમાં આરોપી ચંદ્રશેખરે કબૂલાત કરી છે કે તેને આ ટિકિટો કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) ના સભ્ય ગણેશ પરીક્ષિત દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. પરીક્ષિતે જ તેને આ ટિકિટો ઉંચા ભાવે વેચવાની સૂચના આપી હતી. હાલમાં ગણેશ પરીક્ષિત ફરાર છે અને પોલીસ તેની ધરપકડ કરવા માટે ચક્રગતિમાન કર્યા છે.
ક્રિકેટના મેદાન પર રમત જામી છે ત્યારે પડદા પાછળ ચાલતા આવા કાળા કારોબારે સાચા ક્રિકેટ ચાહકોમાં ભારે રોષ જગાડ્યો છે. સ્ટેડિયમનો જ સ્ટાફ આમાં સામેલ હોવાથી હવે આગામી મેચોમાં ટિકિટ વેચાણ અને વિતરણ પર વધુ કડક દેખરેખ રાખવાની માંગ ઉઠી રહી છે.

(7:01 PM IST)